Gujarat

13 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા

અમદાવાદ: અમદાવાદ: ગુજરાતમાં હજુ પણ ઉનાળાની ગરમીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. બીજી તરફ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 6 જૂનના રોજ વધુ આગળ વધીને અરબી સમુદ્રના પશ્ચિમ-મધ્ય અને પૂર્વ-મધ્ય વિસ્તારો, સમગ્ર ગોવા, કર્ણાટકના મોટા ભાગ, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બંગાળની ખાડીના વિસ્તારો તેમજ મિઝોરમ અને મણિપુર સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ તથા ઉત્તર-પૂર્વીય રાજ્યોના વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પાક અને કૃષિ સાધનોની સુરક્ષા માટે જરૂરી તકેદારી રાખવા સૂચના આપી છે. સાથે જ ગરમી યથાવત રહેવાની શક્યતા હોવાથી નાગરિકોને બપોરના સમયે સીધા તડકામાં લાંબા સમય સુધી રહેવાનું ટાળવા અને પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. ચોમાસાની ધીમી પરંતુ સતત પ્રગતિ વચ્ચે આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન વરસાદી માહોલ જોવા મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

7 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

7 જૂનના રોજ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે છાંટા પડી શકે છે. ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓ ઉપરાંત દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

8 થી 11 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ

8 જૂને છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. 9, 10 અને 11 જૂન દરમિયાન મુખ્યત્વે ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ તથા ગાજવીજની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

12 અને 13 જૂને વરસાદનું જોર વધવાની સંભાવના

12 જૂને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ વિસ્તારમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. 13 જૂને પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે છાંટાની શક્યતા છે.

વરસાદના આવે તે પહેલાં ગરમી તેનો જોમ બતાવી રહી છે

શનિવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં નોંધાઈ હતી, જ્યાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. ઉપરાંત અમરેલી અને વલ્લભ વિદ્યાનગરમાં 40 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી, ભાવનગર, કંડલા પોર્ટ, કંડલા એરપોર્ટ અને ડીસામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભુજમાં 38 ડિગ્રી, કેશોદમાં 37 ડિગ્રી, સુરત, દમણ, મહુવા અને નલિયામાં 36 ડિગ્રી તેમજ પોરબંદરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત પ્રદેશના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

Most Popular

To Top