SURAT

સુરતમાં નશાખોર ચાલક ઝડપાયો, ચાલુ કારમાં બિયર પીતો હતો આર્કિટેક્ટ, પછી સર્જ્યો ભયાનક અકસ્માત

સુરત શહેરમાં ફરી એકવાર નશામાં વાહન ચલાવવાની ગંભીર ઘટના સામે આવી છે. સરથાણા જકાતનાકા નજીક કનૈયા નમકીન પાસેથી પસાર થતી એક ઇલેક્ટ્રિક કારના ચાલકે દારૂના નશામાં કાબૂ ગુમાવતા રસ્તા પર જતાં અનેક લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બે સગા ભાઈઓ અને બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને રોષનો માહોલ સર્જાયો હતો. માહિતી અનુસાર, આરોપી વિજય શંભુભાઈ ભિખડિયા (ઉંમર 32), મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કુંડલી ગામનો રહેવાસી છે અને હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે. વ્યવસાયે આર્કિટેક્ટ એવા વિજયે પોતાની ઇલેક્ટ્રિક કાર લઈને રસ્તા પર નીકળ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ તે દારૂના નશામાં હતો અને કાર પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કાર ખૂબ જ ઝડપે દોડી રહી હતી. સૌથી પહેલા કાર બાઈક પર જઈ રહેલા બે સગા ભાઈઓ રોહિત સરખવાડા (24) અને અજય સરખવાડા (20) સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને ભાઈઓ રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. ત્યારબાદ પણ કાર અટકી નહોતી અને આગળ જઈ સ્કૂટર પર સવાર બે મહિલાઓ રેખાબેન લાખાણી (53) અને હીનાબેન સવાણી (37)ને અડફેટે લીધી હતી. અંતે કાર રોડની સાઇડમાં પાર્ક કરેલી બીજી કાર સાથે ધડાકાભેર અથડાઈને અટકી હતી. અકસ્માતની તીવ્રતા એટલી વધુ હતી કે બાઈક અને કારને ભારે નુકસાન થયું હતું. ઘટનાસ્થળે ચારે તરફ ચીસાચીસ અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.

અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘાયલ ચારેય લોકોને લોહીલુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ઈજાગ્રસ્તોના હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે અને કેટલાકના અંગો કચડાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ લોકોનો ગુસ્સો પણ ફાટી નીકળ્યો હતો. કારમાંથી બહાર કાઢવામાં આવેલા આરોપી વિજય ભિખડિયા નશામાં એટલો ધૂત હતો કે તે બરાબર ઊભો પણ રહી શકતો ન હતો અને સ્પષ્ટ રીતે વાત પણ કરી શકતો નહોતો. આ જોઈને ભેગા થયેલા લોકોએ તેની ધોલાઈ કરી હતી. કેટલાક લોકોએ ગુસ્સામાં કારના કાચ પણ તોડી નાખ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે આરોપીને ટોળામાંથી બચાવી કસ્ટડીમાં લીધો હતો. ત્યારબાદ કારની તપાસ દરમિયાન તેમાં બિયરના ટીન અને ખાલી બોટલ મળી આવી હતી. જેના આધારે પોલીસે શંકા વ્યક્ત કરી છે કે આરોપી કાર ચલાવતી વખતે પણ બિયરનું સેવન કરી રહ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરીને તેની સામે દારૂના નશામાં બેફામ વાહન ચલાવવા, જાહેર સુરક્ષાને જોખમમાં મૂકવા અને અકસ્માત સર્જવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ તેના મેડિકલ ટેસ્ટ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ ઘટના ફરી એકવાર શહેરમાં નશામાં વાહન ચલાવવાની વધતી જતી સમસ્યા તરફ ધ્યાન દોરે છે. થોડા સમય પહેલા પણ સુરતમાં આવી જ કેટલીક ગંભીર ઘટનાઓ બની ચૂકી છે, જેમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અથવા ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક લોકો અને સામાજિક સંગઠનોએ આવા બેદરકાર ચાલકો સામે વધુ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હાલ પોલીસે અકસ્માતના તમામ CCTV ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી છે. અકસ્માત સમયે કારની ગતિ કેટલી હતી, આરોપીએ ક્યાં અને કેટલી માત્રામાં દારૂ પીધો હતો તેમજ અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે હતી કે નહીં તે સહિતના મુદ્દાઓની પણ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top