નારી સન્માન અને દેશના વિકાસને અવરોધક એવી સ્ત્રી અત્યાચાર અને નારી સન્માનની સમસ્યાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે એ પછી નાની બાળકી હોય કે પછી સ્ત્રી. બનાવ બાદ કડક પગલાંથી ગુનેગારને સજા આપવાની માંગ થાય છે પરંતુ કાયદાના ડરથી મહિલા સુરક્ષિત થઇ જશે ખરી? સમયનો પ્રવાહ સાક્ષી છે કે માત્ર કાયદાના કડક પાલનથી ગુનાખોરી ઓછી થઈ શકતી નથી. સાચી સુરક્ષા અને સમસ્યાનો કાયમી ઉકેલ એ કાયદાના પુસ્તકમાં નહીં. શાળા અને સમાજમાં અપાતા સંસ્કાર અને શિક્ષણમાં રહેલો છે કારણ કે વ્યક્તિના જીવનઘડતર, વિકાસ અને ચારિત્ર્યનિર્માણમાં ઘર, શાળા અને સમાજની સારી ટેવો. સ્ત્રીસુરક્ષાની શરૂઆત સ્વયંથી થવી જોઇએ એ હિતાવહ છે. શાળા-કોલેજમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થવું જોઇએ કે જેથી દીકરીઓનું સન્માન કરતાં શીખે. તેથી જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિના હકારાત્મક અભિગમથી સ્ત્રી સુરક્ષામાં ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે અને સમસ્યા જડમૂળથી નષ્ટ થઈ શકે છે. કાયદો ગુનો બન્યા પછી સજા આપે છે જ્યારે સારા સંસ્કાર વ્યક્તિને ગુનો કે ખોટાં કામ કરતાં પહેલાં અટકાવે છે. નવી પેઢી આંતરિક રીતે સ્ત્રી સન્માનનાં મૂલ્યોથી સજ્જ થશે ત્યારે જ સાચા અર્થમાં સુરક્ષિત અને સ્વસ્થ સમાજનું નિર્માણ થશે.
નવસારી – વિરલકુમાર ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.