બિહારની રાજધાની પટનામાં પ્રખ્યાત શિક્ષક અને યુવાનોમાં અત્યંત લોકપ્રિય એવા ખાન સરની કોચિંગ સંસ્થાની બહાર થયેલી ફાયરિંગની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. પટનાના મુસલ્લહપુર હાટ વિસ્તારમાં આવેલી કોચિંગની બહાર મોડીરાત્રે ગોળીબાર થયો હોવાની માહિતી સામે આવી છે. ઘટનાના સમયે ખુદ ખાન સર કોચિંગ કેમ્પસમાં હાજર હતા અને તેમણે દાવો કર્યો છે કે તેમની આંખો સામે 8થી 10 રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ ઘટનામાં એક સુરક્ષા ગાર્ડ ઘાયલ થયો હોવાનું પણ જણાવાયું છે.
મળતી માહિતી મુજબ ગોળીબાર બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી.
“મેં ખુદ ગોળીઓ ચાલતી જોઈ”: ખાન સર
ફાયરિંગની ઘટના અંગે પ્રતિક્રિયા આપતા ખાન સરે જણાવ્યું કે ઘટના સમયે તેઓ કોચિંગમાં જ હાજર હતા. તેમના જણાવ્યા મુજબ લગભગ 8થી 10 રાઉન્ડ ગોળીબાર થયો હતો. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક અસામાજિક તત્વોએ કોચિંગ કેમ્પસમાં ઘૂસીને ગાર્ડ સાથે મારામારી કરી હતી અને તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો.ખાન સરે વધુમાં જણાવ્યું કે ઓછી ફીમાં ગુણવત્તાસભર શિક્ષણ આપવાના કારણે કેટલાક લોકો તેમને નિશાન બનાવી રહ્યા છે.ખાન સરના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં બિહાર પોલીસ ભરતી પરીક્ષાના પરિણામો જાહેર થયા હતા, જેમાં તેમની સંસ્થાના હજારો વિદ્યાર્થીઓ સફળ થયા હતા. આ સફળતા કેટલાક હરીફોને ખટકી રહી હોવાનું તેમણે સંકેત આપ્યો હતો.
કોચિંગ સંચાલકો વચ્ચેની હરીફાઈ કારણભૂત?
પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આ સમગ્ર ઘટના પાછળ પટનાના કોચિંગ ક્ષેત્રમાં ચાલતી વચસ્વની લડાઈ જવાબદાર હોઈ શકે છે. મહત્વ નું છે કે મુસલ્લહપુર હાટ વિસ્તાર બિહાર અને આસપાસના રાજ્યોના સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે મોટું શિક્ષણ કેન્દ્ર માનવામાં આવે છે. અહીં અનેક કોચિંગ સંસ્થાઓ કાર્યરત છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા ચાલી રહી છે કે ખાન સર અને અન્ય એક કોચિંગ સંચાલક વચ્ચે લાંબા સમયથી મતભેદો ચાલી રહ્યા હતા. જોકે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી અને તમામ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.
ગાર્ડ ઘાયલ, હોસ્પિટલમાં સારવાર
ફાયરિંગ અને હુમલાની ઘટનામાં ખાન સરની કોચિંગનો એક સુરક્ષા ગાર્ડ ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે. ખાન સરે દાવો કર્યો હતો કે હુમલાખોરોએ ગાર્ડ પર હુમલો કરીને તેને ઇજાગ્રસ્ત કર્યો હતો. ઘાયલ ગાર્ડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં વ્યસ્ત, CCTV ફૂટેજની ચકાસણી
ઘટના બાદ પોલીસ અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આસપાસના CCTV કેમેરાના ફૂટેજ એકત્રિત કરીને તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો પણ નોંધાવી રહી છે. ઘટનાના સાચા કારણો અને તેમાં સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે વિશેષ ટીમો કાર્યરત કરવામાં આવી છે. જોકે પટનાના પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે પ્રાથમિક તબક્કે ગોળીબારના સ્પષ્ટ પુરાવાઓ હજુ સુધી મળ્યા નથી અને તમામ ટેક્નિકલ તથા ફોરેન્સિક તપાસ પૂર્ણ થયા બાદ જ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે.
ખાન સરે માંગી સુરક્ષા
ઘટના બાદ ખાન સરે પોતાની અને તેમની કોચિંગ સંસ્થાની સુરક્ષા વધારવાની માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે આવી ઘટનાઓ શિક્ષણના વાતાવરણને નુકસાન પહોંચાડે છે અને વિદ્યાર્થીઓમાં ભય પેદા કરે છે. અગાઉ વર્ષ 2019માં પણ તેમની કોચિંગ સંસ્થા પર હુમલો થયાનો ઉલ્લેખ સામે આવ્યો છે, જેના કારણે સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા
પટનાની આ ઘટના બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. હજારો વિદ્યાર્થીઓ રોજ અહીં અભ્યાસ માટે આવે છે. આવી સ્થિતિમાં શિક્ષણ સંસ્થાઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવાની માંગ ઉઠી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને પોલીસ CCTV ફૂટેજ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો તથા અન્ય પુરાવાઓના આધારે સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે. ઘટનાને લઈને પટનાના શિક્ષણ વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે, આગામી દિવસોમાં તપાસમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.