India

લોન્ચ થતાં જ CBSEનું રી-ઇવેલ્યુએશન પોર્ટલ ઠપ્પ: વિદ્યાર્થીઓ પરેશાન, બોર્ડનો દાવો – ટેક્નિકલ ખામીઓ બાદ પોર્ટલ ફરી સક્રિય

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલ પોસ્ટ-રિઝલ્ટ વેરિફિકેશન અને રી-ઇવેલ્યુએશન પોર્ટલ લોન્ચ થયાના થોડા જ સમયમાં ટેક્નિકલ ખામીઓના કારણે ઠપ્પ થઈ ગયું હતું.જેના કારણે દેશભરના લાખો વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓ, વાલીઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

CBSEએ અગાઉ જાહેરાત કરી હતી કે 1 જૂનથી ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે માર્ક્સ વેરિફિકેશન, સ્કેન કરેલી ઉત્તરવહીઓની ચકાસણી અને રી-ઇવેલ્યુએશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પરંતુ નિર્ધારિત સમય પછી પણ પોર્ટલ શરૂ ન થતાં વિદ્યાર્થીઓમાં ગૂંચવણ ફેલાઈ હતી. ઘણા વિદ્યાર્થીઓએ વેબસાઇટ પર “Site Under Updation” અથવા લિંક કામ ન કરતી હોવાની ફરિયાદ કરી હતી.

વિદ્યાર્થીઓની ભારે ભીડથી સર્વર પર દબાણ
CBSEના સૂત્રોના જણાવ્યા અનુસાર એકસાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોર્ટલ પર લોગિન કરવાનો પ્રયાસ કરતા સર્વર પર ભારે દબાણ સર્જાયું હતું. ઉપરાંત અગાઉથી ચાલી રહેલા OSM (On Screen Marking) સિસ્ટમ સંબંધિત વિવાદો અને ટેક્નિકલ સમસ્યાઓને કારણે પણ પોર્ટલને સ્થિર કરવામાં મુશ્કેલીઓ આવી હતી.ઘણા વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે તેઓ અરજી ફોર્મ સુધી પહોંચી શકતા નહોતા, જ્યારે પેમેન્ટ ગેટવેમાં પણ મુશ્કેલી પડી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ સ્કેન કરેલી ઉત્તરવહીઓ સંબંધિત સમસ્યાઓ પણ દર્શાવી હતી.

IIT નિષ્ણાતોની મદદ લેવાઈ
મામલો ગંભીર બનતા શિક્ષણ મંત્રાલયે IIT કાનપુર અને IIT મદ્રાસના નિષ્ણાતોને CBSEની ટેક્નિકલ ટીમ સાથે જોડાવા સૂચના આપી હતી. આ નિષ્ણાતોએ પોર્ટલની ક્ષમતા વધારવા અને ખામીઓ દૂર કરવા માટે કામગીરી શરૂ કરી હતી.
CBSEએ વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે પોર્ટલને વધુ મજબૂત અને પારદર્શક બનાવવા માટે સુધારણા કરવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં કોઈ વિક્ષેપ ન સર્જાય.

બોર્ડનો દાવો: પોર્ટલ ફરી સક્રિય
દિવસભરની ટેક્નિકલ મુશ્કેલીઓ બાદ CBSEએ પોર્ટલ ફરી કાર્યરત કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. બોર્ડે વિદ્યાર્થીઓને અરજી માટે વધારાનો સમય પણ આપ્યો છે. હવે ધોરણ-12ના વિદ્યાર્થીઓ 2 જૂનથી 6 જૂન સુધી વેરિફિકેશન અને રી-ઇવેલ્યુએશન માટે ઓનલાઈન અરજી કરી શકશે.CBSEએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર તે જ વિદ્યાર્થીઓ રી-ઇવેલ્યુએશન માટે અરજી કરી શકશે જેમણે અગાઉ પોતાની ઉત્તરવહીની ફોટોકૉપી અથવા સ્કેન કરેલી નકલ મેળવી હોય. અરજી દરમિયાન આધાર ઓથેન્ટિકેશનની પ્રક્રિયા પણ ફરજિયાત રાખવામાં આવી છે.

કેટલી ફી ચૂકવવી પડશે?
CBSE દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર:
ઉત્તરવહી વેરિફિકેશન માટે પ્રતિ ઉત્તરવહી ₹500 ફી
રી-ઇવેલ્યુએશન માટે પ્રતિ પ્રશ્ન ₹100 ફી
વિદ્યાર્થીઓએ માર્કિંગ સ્કીમના આધારે જ સંબંધિત પ્રશ્નોની પુનઃચકાસણી માટે અરજી કરવી પડશે.

રાજકીય સ્તરે પણ ઉઠ્યો મુદ્દો
રી-ઇવેલ્યુએશન પ્રક્રિયામાં લેવામાં આવતી ફીને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. કેટલાક નેતાઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો મૂલ્યાંકનમાં ભૂલ બોર્ડની હોય તો વિદ્યાર્થીઓ પાસેથી ફી કેમ વસૂલવામાં આવે છે.

વિદ્યાર્થીઓને શું કરવું?
CBSEએ વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે તેઓ માત્ર સત્તાવાર વેબસાઇટ પર જ વિશ્વાસ રાખે અને પોર્ટલ સક્રિય થયા બાદ જરૂરી દસ્તાવેજો સાથે અરજી પ્રક્રિયા પૂર્ણ કરે. કોઈ સમસ્યા સર્જાય તો બોર્ડની હેલ્પલાઇન અને ઈ-મેલ સપોર્ટનો ઉપયોગ કરી શકાય છે.

Most Popular

To Top