પાણી ભરાયેલા જીવલેણ ખાડાઓથી વાહનચાલકો ત્રાહિમામ; અકસ્માતનો ભય વધતા સ્થાનિકોનો તંત્ર સામે ભારે આક્રોશ, તાકીદે સમારકામ કરવા માંગ
વડોદરા: નજીવા કમોસમી વરસાદે વડોદરા કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ ધોવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર અને તેની આસપાસના વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે જ રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે. ઠેર-ઠેર રસ્તાઓ પર મોટા-મોટા ખાડાઓ પડી જતાં સ્થાનિક રહિશો અને ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુખ્ય માર્ગો પરથી પસાર થવું હવે સામાન્ય નાગરિકો માટે જોખમી સાબિત થઈ રહ્યું છે.

વરસાદના કારણે રસ્તા પર પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ જવાને લીધે વાહનચાલકો માટે ખાડાઓનો અંદાજ લગાવવો મુશ્કેલ બની ગયો છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે અહીંથી પસાર થવું એ અકસ્માતને આમંત્રણ આપવા સમાન બની ગયું છે. પાણીથી ભરાયેલા ખાડાઓમાં વાહનો સ્લિપ થવાની અને ચાલકો પટકાવાની ઘટનાઓ સતત વધી રહી છે, જેના કારણે નિર્દોષ નાગરિકોને નાની-મોટી ઈજાઓ પહોંચી રહી છે. વળી, ટ્રાફિકની સમસ્યા પણ વધુ જટિલ બની છે.

આ પરિસ્થિતિને લઈને સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની હાલાકી ભોગવવી પડે છે અને તંત્ર માત્ર કાગળ પર જ કામગીરી બતાવે છે. મધુનગરના સ્થાનિકોએ વહીવટી તંત્ર અને સ્થાનિક સત્તાધીશો સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે કે આ બિસ્માર રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે. જો આગામી દિવસોમાં ભારે વરસાદ થશે તો આ રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાઈ જવાની અને મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. વહીવટી તંત્ર વહેલી તકે જાગીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.