Vadodara

સ્માર્ટ સિટીના નામે જીવલેણ બેદરકારી! બ્રિજ નિર્માણના ખુલ્લા સળિયા બન્યા રાહદારીઓ માટે મોતનો ફંદો

અબેકસ સર્કલ પાસે સુરક્ષા વિના દોડતા ટ્રેક્ટરો અને વાહનો, અકસ્માતનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો
‘મોટી દુર્ઘટના પછી જ જાગશે તંત્ર?’ સ્થાનિકોમાં રોષ, કડક કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થાની માંગ ઉઠી

(પ્રતિનિધિ) વડોદરા
વડોદરા સ્માર્ટ સિટીના સમા-સાવલી રોડ પર આવેલા અબેકસ સર્કલ નજીક હાલ ફ્લાયઓવર બ્રિજનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. શહેરના વિકાસ માટે હાથ ધરાયેલા આ પ્રોજેક્ટ વચ્ચે સુરક્ષા નિયમોની ઘોર અવગણના સામે આવતાં નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હોવાનું ચિત્ર ઉભું થયું છે. બ્રિજ નિર્માણમાં ઉપયોગમાં લેવાતા લાંબા અને ભારે લોખંડના સળિયાઓને કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વિના ખુલ્લેઆમ વાહનો અને ટ્રેક્ટરોમાં લઈ જવામાં આવી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, વાહનોની પાછળ અને બાજુએ જોખમી રીતે બહાર નીકળતા સળિયાઓ રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનોને અડી રહ્યા છે, જેના કારણે અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. આ માર્ગ શહેરના સૌથી વ્યસ્ત માર્ગોમાંનો એક હોવાથી દરરોજ હજારો વાહનચાલકો, રાહદારીઓ, વિદ્યાર્થીઓ અને વૃદ્ધો અહીંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં ખુલ્લા સળિયાઓ સાથે દોડતા વાહનો ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જી શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર મામલે જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સવાલ છે કે જો આવી બેદરકારીના કારણે કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જાય અથવા ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? તંત્ર દ્વારા સુરક્ષા અને નિયમોના પાલનની વાતો કરવામાં આવે છે, પરંતુ મેદાનમાં તેની અમલવારી ક્યાંય જોવા મળતી નથી.
નાગરિકોએ વડોદરા મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગોને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. બાંધકામ સામગ્રીની હેરાફેરી દરમિયાન યોગ્ય બેરિકેડિંગ, રિફ્લેક્ટિવ માર્કિંગ, લાલ ઝંડા અથવા કપડાં અને અન્ય સુરક્ષા સાધનોનો ફરજિયાત ઉપયોગ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જ તંત્ર જાગૃત બને અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકમાગ પ્રબળ બની છે.

Most Popular

To Top