દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર 20થી 25 લોકોના ટોળાએ હુમલો કર્યો, ડ્રાઇવર સહિત બે ઇજાગ્રસ્ત, બસને નુકસાન, ડ્રાઈવરની હોશિયારીથી આબાદ બચાવ
સ્થાનિક પોલીસ અને મેડિકલ મદદ સમયસર ન મળ્યાના આક્ષેપ, હાઇવે સાથે સુરક્ષાની જવાબદારી પણ લેવી જોઈએ : પ્રવાસીઓ
વડોદરા તા.28
વડોદરાથી ધાર્મિક પ્રવાસે ગયેલા ગુજરાતી પ્રવાસીઓ પર મધ્યપ્રદેશમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર પથ્થરમારો થવાની ગંભીર ઘટના સામે આવી છે. ઉજ્જૈન, જગન્નાથપુરી, કાશી અને અયોધ્યાની યાત્રા પૂર્ણ કરી ગુજરાત પરત ફરી રહેલી ખાનગી બસ પર મધરાતે 20થી 25 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. હુમલામાં બસના આગળના કાચ તૂટી ગયા હતા અને ડ્રાઇવર સહિત બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સાથે પાછળ આવતી અન્ય કેટલીક ગાડીઓ પર પણ હુમલો થયો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
પ્રવાસીઓના જણાવ્યા મુજબ રાત્રે અંદાજે એક વાગ્યાની આસપાસ એક ટોલટેક્સ નજીક ટોળાએ બસ રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ડ્રાઇવરે હિંમત રાખી બસ નહીં રોકતા હુમલાખોરોએ અચાનક પથ્થરમારો શરૂ કર્યો હતો. ડ્રાઇવર ઇજાગ્રસ્ત થવા છતાં બસ દોડાવી સુરક્ષિત સ્થળે લઈ ગયો હતો.
ઘટના બાદ ઝાપાવાળા ટોલટેક્સ પર બસ પહોંચતા ત્યાં પણ મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી હતી. એક મુસાફરે વીડિયો બનાવી આક્ષેપ કર્યો હતો કે પથ્થરમારો અને લૂંટફાટનો પ્રયાસ થયો હોવા છતાં ટોલકર્મીઓ પૈસા માંગતા રહ્યા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હાઇવે બનાવ્યા છે તો મુસાફરોની સુરક્ષાની જવાબદારી પણ લેવી જોઈએ.
પ્રવાસીઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પોલીસને જાણ કરવા છતાં દોઢ કલાક સુધી કોઈ મદદ મળી નહોતી. સાથે મેડિકલ ટીમ પણ સમયસર પહોંચી ન હતી. ખાનગી ટ્રાવેલ્સના ચાલકે જણાવ્યું હતું કે જો બસ રોકી હોત તો મુસાફરો લૂંટાઈ જતા. તેથી જીવના જોખમે બસ આગળ દોડાવી હતી.આ ઘટનાએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર મુસાફરોની સુરક્ષા અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.