ડાયમંડ સદગુરુ ગૃહ ઉદ્યોગ રાજકોટ બ્રાન્ડ સામે ગંભીર આક્ષેપ,આરોગ્ય વિભાગમાં ફરિયાદ
આસ્થાને ઠેસ પહોંચી અને લાગણી દુભાઈ,લેબ ટેસ્ટ સાથે કાર્યવાહીની માંગ
( પ્રતિનિધિ )વડોદરા,તા.26
ખજૂર ખાવાના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. વારસિયા જૂની આરટીઓ કચેરી પાછળ રહેતા અશોક કહાર નામના ગ્રાહકે પૂજા માટે લાવેલી ખજૂરના પેકેટમાંથી માંસ અને હાડકાના ટુકડા નીકળ્યાનો આક્ષેપ કર્યો છે. આ ઘટનાથી ધાર્મિક લાગણી દુભાઈ હોવાનું જણાવી ગ્રાહકે આરોગ્ય વિભાગમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી ગ્રાહક અશોક કહારે જણાવ્યું હતું કે, ઘરે ભગવાનની પૂજા હોવાથી તેઓ ચોખંડી બજારમાંથી ખાવા-પીવાની ચીજવસ્તુઓ લેવા ગયા હતા. ત્યાંથી તેમણે ડાયમંડ સદગુરુ ગૃહ ઉદ્યોગ રાજકોટ બ્રાન્ડનું 500 ગ્રામનું ખજૂરનું પેકેટ ખરીદ્યું હતું. સારી બ્રાન્ડની અને મારકાવાળી હોવાથી વિશ્વાસથી આ પેકેટ લીધું હતું. ઘરે આવીને જ્યારે પૂજાની તૈયારી માટે ખજૂરનું પેકેટ ખોલ્યું ત્યારે, તેમાંથી ખજૂરની સાથે કોઈ અજાણી વસ્તુ દેખાઈ આવી. ઝીણવટથી તપાસ કરતા માલૂમ પડ્યું કે તે ખજૂર જેવી દેખાતી વસ્તુ કોઈ પશુના માસનો ટુકડો અને હાડકું હતું. પૂજા માટે લાવેલી ખજૂરમાંથી માંસ અને હાડકું નીકળતા પરિવારની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી હતી. અશોક કહારે જણાવ્યું કે, અમે પૂજા માટે શુદ્ધ ભાવથી ખજૂર લાવ્યા હતા, પરંતુ તેમાંથી માંસ-હાડકાના ટુકડા નીકળતા અમારી લાગણી દુભાઈ છે. આ મામલે તેમણે આરોગ્ય વિભાગની કચેરીમાં લેખિત અરજી આપી છે. જે ફરિયાદમાં ગ્રાહકે મુખ્ય ત્રણ માંગ કરી છે. જેમાં પેકેટમાંથી નીકળેલી વસ્તુ ખરેખર શું છે તેની લેબોરેટરીમાં તપાસ કરવામાં આવે, લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે, ધાર્મિક લાગણી દુભાવવા બદલ ડાયમંડ સદગુરુ ગૃહ ઉદ્યોગ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સમગ્ર મામલે આરોગ્ય વિભાગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો આ કિસ્સો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.