SURAT

સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત! રામપુરામાં બકરાનો શિકાર કરતા શ્વાનનો હુમલો

સ્થાનિકોમાં મનપા સામે ભારે રોષ

સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં લોકો માટે આ સમસ્યા હવે ગંભીર ચિંતા બની ગઈ છે. ખાસ કરીને રામપુરા વિસ્તારમાં બનેલી તાજેતરની ઘટનાએ લોકોમાં ભય અને રોષનો માહોલ સર્જ્યો છે. અહીં રખડતા શ્વાનના ટોળાએ બકરાઓ પર હુમલો કરતા અનેક બકરાના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આગામી ગુરુવારના રોજ બકરા ઈદને ધ્યાનમાં રાખીને મુસ્લિમ પરિવારો દ્વારા કુરબાની માટે બકરાઓ લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન રામપુરા વિસ્તારમાં આવેલી રોહીત મહોલ્લા નજીકની સુફી મદ્રેસા પાસે બકરાઓ રાખવામાં આવ્યા હતા. મોડી રાત્રિના સમયે અચાનક રખડતા શ્વાનના ટોળાએ બકરાઓ પર હુમલો કર્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, શ્વાનના હુમલાથી વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. શ્વાનના હુમલામાં અનેક બકરાઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે કેટલાક બકરાના મોત નિપજ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનાના ફોટા અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

આ સમગ્ર ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ડરનો માહોલ ઉભો કર્યો છે. લોકોનું કહેવું છે કે સુરતમાં રખડતા શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે, છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા પશુઓ મામલે કડક માર્ગદર્શિકા આપવામાં આવી હોવા છતાં મનપા તંત્ર દ્વારા પૂરતી કામગીરી ન થવાના આરોપો પણ ઉઠી રહ્યા છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રખડતા શ્વાનના હુમલાની ઘટનાઓ વધી રહી છે. થોડા દિવસો અગાઉ પણ એક બગીચા પાસે માતા સાથે ફરવા આવેલી માસૂમ બાળકી પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

રામપુરામાં બનેલી ઘટનાએ ફરી એકવાર સુરત શહેરમાં રખડતા શ્વાનની સમસ્યા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. લોકોનું કહેવું છે કે માત્ર માણસો જ નહીં પરંતુ પાલતુ પ્રાણીઓ અને બકરાઓ પણ શ્વાનના આતંકનો ભોગ બની રહ્યા છે. સ્થાનિક આગેવાનો અને રહેવાસીઓએ મનપા સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે માંગ કરી છે કે શહેરમાંથી રખડતા શ્વાનને પકડવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે. લોકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ગંભીર ઘટનાઓ બની શકે છે.

આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જોકે સ્થાનિક લોકો અને પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો હવે શહેરમાં સુરક્ષા અને રખડતા શ્વાનના નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top