Vadodara

લિકરકિંગ લાલુ સિંધીના પોલીસે 4 જૂન સુધીના 14 દિવસના રિમાન્ડ મેળવ્યા

ગુજસીટોક સહીત બે ગુનામાં ફરાર કુખ્યાત બુટલેગર લાલુને માલપુર પાસેથી ઝડપાયો હતો

વડોદરા તા.21
કુખ્યાત બુટલેગર લાલુ સિંધીની ગુજસીટોક સહિતના ગુનાના ધરપકડ કરાઈ હતી. પોલીસે તેની વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરીને 30 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી ત્યારે કોર્ટે 14 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે.
વડોદરા શહેરના નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં તેમજ જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા કરોડોની કિંમતના વિદેશી દારૂના જથ્થાના ગુનામાં પ્રોહી બુટલેગર લાલચંદ ઉર્ફે લાલુ સિંધી હેમનદાસ ખાનાની સંડોવાયેલો હતો. બંને ગુનામાં ધરપકડ ટાળવા માટે આરોપી ફરાર થઈ ભાગતો ફરતો હતો. આ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે સતત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે ટીમ મોડાસા પહોચી હતી. ત્યારબાદ લાલચંદ ઉર્ફે લાલુ સિંધી તેની કિયા સેલ્ટોસ કારમાં શહેરાથી મોડાસા રોડ પર માલપુર તરફથી પસાર થવાનો હતો. માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ માલપુર ખાતે પહોંચી રોડ પર ખાનગી રીતે વોચમાં ગોઠવાઈ હતી. વોચ દરમિયાન માહિતી મુજબની કાર પસાર થતી દેખાતા પોલીસે કારને અટકાવી તપાસ કરતા કારમાંથી લાલચંદ ઉર્ફે લાલુ સિંધી હેમનદાસ ખાનાની (રહે. રોયલ હાઇટ્સ, ધોબી તળાવ પાસે, વારશિયા, વડોદરા) ને ઝડપી પાડ્યો હતો. એસીપી એફ ડિવિઝન 3 કટારીયા દ્વારા આરોપી લાલો સિંધીને કોર્ટમાં રજૂ કરીને 30 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જ્યારે કોર્ટે 14 દિવસના એટલે કે ચાર જૂન સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે.

Most Popular

To Top