Gujarat

​ઓનલાઈન ડેટિંગ એપ્સ પર નકલી પોલીસ બની ૨૦થી વધુ યુવતીઓને ફસાવનાર ‘રોકી’ ઉર્ફે હિમાંશુ પંચાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં


અમદાવાદ,

સોશિયલ મીડિયા અને ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન્સ પર ટેકનોલોજીનો દુરુપયોગ કરીને યુવતીઓને પોતાની જાળમાં ફસાવતા ગુનેગારો સામે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે . ગુજરાત પોલીસના ક્રાઈમ બ્રાન્ચ સાયબર સિક્યોરીટી વિભાગના નકલી પી.એસ.આઈ. (PSI) બનીને ૨૦થી વધુ યુવતીઓ સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત અને શારીરિક-નાણાકીય શોષણ કરનાર એક સાતિર ભેજાબાજને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ હિમાંશું પંચાલ તરીકે થઈ છે.

કોણ છે પકડાયેલ આરોપી ?

પકડાયેલા આરોપીનું અસલી નામ હિમાંશુ ઉર્ફે રોકી યોગેશભાઇ ચમનલાલ પંચાલ (ઉંમર ૨૭ વર્ષ) છે . તે મૂળ ઉદેપુર (રાજસ્થાન) અને હાલ જનકપુર સોસાયટી, સુભાષબ્રિજ, સાબરમતી (અમદાવાદ) ખાતે રહેતો હતો . ઓનલાઈન પ્લેટફોર્મ પર તે પોતાની ઓળખ ‘રોકી પંચાલ’ તરીકે આપતો હતો .
​ગુનો કરવાની મોડસ ઓપરેન્ડી

​આરોપી હિમાંશુ પંચાલ અત્યંત શાતિર રીતે મહિલાઓને ટાર્ગેટ કરતો હતો.

  • ​AI ટેકનોલોજીનો ઉપયોગ: તે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેકનોલોજીની મદદથી પોલીસ યુનિફોર્મવાળા પોતાના નકલી ફોટા બનાવતો અને તેને Shadi.com, Jeevansathi, Bumble, Hinge, Pure, અને Clearitytalk Fover જેવી ડેટિંગ તેમજ મેટ્રિમોનીયલ એપ્સ પર પ્રોફાઇલ પિક્ચર તરીકે રાખતો હતો .
  • ​નકલી દસ્તાવેજો: પોતે સાચો પોલીસ અધિકારી છે તે સાબિત કરવા માટે તે ‘Canva’ એપ્લિકેશન, સ્ટેમ્પ મેકર અને સિગ્નેચર મેકરનો ઉપયોગ કરીને “GOVERNMENT OF INDIA, CRIME BRANCH CYBER SECURITY” લખેલા ડુપ્લીકેટ આઈ-કાર્ડ બનાવતો હતો .
  • ​પોલીસ સામગ્રીનો દેખાડો: તે સરકારી સ્ટોરમાંથી ગુજરાત પોલીસના લોગો, લાલ બેલ્ટ, બેઝ, ટોપી અને મોનોગ્રામ ખરીદીને પોતાની પાસે રાખતો અને મળવા આવતી યુવતીઓને આ બતાવીને વિશ્વાસમાં લેતો હતો .
  • ​ભાવનાત્મક શોષણ: તે યુવતીઓ તથા છૂટાછેડા લીધેલ (ડીવોર્સિસ) મહિલાઓને ટાર્ગેટ કરી, પ્રેમસંબંધ બાંધી, લગ્નની ખોટી લાલચો આપી ઈમોશનલ કરતો અને અલગ-અલગ બહાના હેઠળ મોટી રકમો પડાવતો હતો . છેલ્લા ૬ મહિનામાં તેણે ૨૦થી વધુ યુવતીઓને શિકાર બનાવી છે .
    ​આરોપીનો ગુનાહિત ઇતિહાસ અને છેતરપિંડીના કિસ્સા

​તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ આવા જ ગુનામાં જેલ જઈ આવ્યો છે.

  1. ​મુંબઈ (૨૦૨૪): વિરારની એક યુવતીને પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો, જે અંગે નાલા સોપારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા તેની ધરપકડ થઈ હતી અને હાલ તે જામીન પર હતો .
  2. ​નવા વાડજ (અમદાવાદ): જામીન પર છૂટ્યા બાદ ઇન્સ્ટાગ્રામ પર એક યુવતીનો સંપર્ક કરી, જામીનનો ખર્ચ થયો છે તેમ કહી રૂ. ૫૦,૦૦૦ પડાવ્યા અને તે પૈસાથી મુંબઈ-ગોવા ફરવા ગયો હતો .
  3. ​નરોડા (અમદાવાદ): નરોડાની યુવતીને લગ્નની લાલચ આપી તેનું બેંક એકાઉન્ટ અને સિમકાર્ડ વાપરવા લીધું તથા તેની પાસેથી રૂ. ૧,૮૦,૦૦૦ પડાવી લીધા, જે અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે .
  4. ​નવરંગપુરા (અમદાવાદ): Bumble એપથી પરિચયમાં આવેલી યુવતી પાસેથી મકાન બનાવવાના બહાને રૂ. ૭૯,૭૦૦ પડાવ્યા . બાદમાં ડિપાર્ટમેન્ટ માટે મોબાઈલ ખરીદવા ફરી પૈસા માંગતા યુવતીને શંકા ગઈ અને તપાસ કરતા ભાંડો ફૂટ્યો, જેથી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો .
  5. ​અન્ય રાજ્યોમાં જાળ: તેણે ઘાટલોડિયાની યુવતીને ફસાવવાનો પ્રયાસ કર્યો પણ યુવતી સાવધ થઈ ગઈ . આ સિવાય ખેડાની એક મહિલાના ઘરે તે પોતાની માતા સાથે ૩ મહિના રોકાયો હતો તેમજ ભોપાલ (MP) અને ઉદેપુરની યુવતીઓને પણ ફસાવી ચૂક્યો છે .

પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલી નીચે મુજબની સામગ્રી જપ્ત કરી છે.

  • ​એક ઓપ્પો (Oppo) કંપનીનો મોબાઈલ ફોન
  • ​રોકડા રૂપિયા ૪૦,૦૦૦/-
  • ​નકલી પોલીસ આઈ-કાર્ડ, ગુજરાત પોલીસના લોગો, બેઝ, લાલ બેલ્ટ અને અશોકસ્તંભના સિમ્બોલ વાળા સ્ટીકરો
    ​નોંધાયેલા ગુનાઓ
    ​અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી નવરંગપુરા પોલીસ સ્ટેશન અને નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ (બી.એન.એસ. કલમ ૨૦૪, ૨૦૫, ૩૧૯(૨) હેઠળ) શોધી કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

Most Popular

To Top