દેશના કરોડો નોકરિયાતો માટે કેન્દ્ર સરકારે એક મોટી અને રાહતભરી જાહેરાત કરી છે. હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO પોતાના સભ્યોને UPI મારફતે સીધા PFના પૈસા ઉપાડવાની સુવિધા આપવા જઈ રહ્યું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે આ નવી સિસ્ટમનું ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં આ સુવિધા સામાન્ય લોકો માટે શરૂ કરવામાં આવશે. આ નવી વ્યવસ્થા હેઠળ EPF ખાતાધારકો પોતાના મોબાઇલમાં જ UPI એપ દ્વારા PF બેલેન્સ જોઈ શકશે અને જરૂરી રકમ સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકશે. અત્યાર સુધી PF ઉપાડવા માટે લોકોને ઓનલાઈન ક્લેમ કરવો પડતો હતો, ત્યારબાદ દસ્તાવેજોની ચકાસણી અને મંજૂરીની પ્રક્રિયામાં ઘણા દિવસો લાગી જતા હતા. હવે નવી ટેક્નોલોજીથી આ પ્રક્રિયા માત્ર થોડા મિનિટોમાં પૂર્ણ થઈ શકશે.
કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, EPFO સભ્યોને પોતાના ખાતામાં કેટલું બેલેન્સ ઉપલબ્ધ છે તે લાઈવ જોવા મળશે. ત્યારબાદ તેઓ પોતાના બેંક ખાતા સાથે જોડાયેલા UPI PIN દ્વારા ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરી શકશે. રકમ સીધી બેંક ખાતામાં જમા થઈ જશે, જેને બાદમાં ડિજિટલ પેમેન્ટ અથવા ATMમાંથી રોકડ ઉપાડવા માટે ઉપયોગ કરી શકાશે. આ નવી સુવિધા ખાસ કરીને ઈમરજન્સી સમયે ખૂબ ઉપયોગી સાબિત થશે. અચાનક તબીબી ખર્ચ, ઘરેલુ જરૂરિયાતો અથવા અન્ય આર્થિક મુશ્કેલીઓમાં લોકો તરત જ PFમાંથી નાણાં મેળવી શકશે. અત્યાર સુધી ક્લેમ મંજૂર થવામાં દિવસો લાગી જતા હોવાથી લોકોને મુશ્કેલી પડતી હતી.
EPFOએ ઓટો-સેટલમેન્ટ સિસ્ટમમાં પણ મોટો ફેરફાર કર્યો છે. હવે 5 લાખ રૂપિયા સુધીના PF ક્લેમ કોઈપણ માનવીય દખલગીરી વગર ઓટોમેટિક રીતે સેટલ થઈ શકશે. અગાઉ આ મર્યાદા માત્ર 1 લાખ રૂપિયા હતી. આ બદલાવથી ક્લેમ પ્રોસેસિંગ વધુ ઝડપી બનશે અને કર્મચારીઓને સમયસર નાણાં મળી શકશે. સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘EPFO 3.0’ પ્રોજેક્ટ હેઠળ PF સંબંધિત તમામ સેવાઓને સંપૂર્ણ ડિજિટલ બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ભવિષ્યમાં UPI વિડ્રોઅલ, ATM દ્વારા PF ઉપાડ, સરળ એકાઉન્ટ ટ્રાન્સફર અને ઝડપી ઓટો-ક્લેમ જેવી અનેક સુવિધાઓ લોકોને મળશે. જોકે, સભ્યોને પોતાના PF ખાતામાંથી સંપૂર્ણ રકમ ઉપાડવાની મંજૂરી નહીં મળે. પ્રારંભિક માહિતી મુજબ, સભ્યો પોતાના કુલ PF બેલેન્સમાંથી 50 ટકાથી લઈને મહત્તમ 75 ટકા સુધીની જ રકમ ઉપાડી શકશે. બાકીની રકમ નિવૃત્તિ માટે બચત તરીકે ખાતામાં જ રહેશે. આ સુવિધાનો લાભ લેવા માટે કેટલાક જરૂરી નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે. સભ્યનો UAN નંબર એક્ટિવ હોવો જરૂરી રહેશે. UAN સાથે આધાર કાર્ડ લિંક કરેલું હોવું જોઈએ. સાથે PAN કાર્ડ, બેંક ખાતાની KYC અને સાચો IFSC કોડ અપડેટ કરેલો હોવો જરૂરી રહેશે. OTP માટે મોબાઈલ નંબર પણ રજિસ્ટર્ડ હોવો જરૂરી રહેશે. જો KYC અધૂરી હશે તો સભ્ય આ નવી સુવિધાનો લાભ લઈ શકશે નહીં.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું કે EPFOએ વર્ષ 2025-26 દરમિયાન કુલ 8.31 કરોડ ક્લેમ સેટલ કર્યા છે, જે ગયા વર્ષ કરતાં ઘણાં વધુ છે. તેમાં 5.51 કરોડ જેટલા ક્લેમ એડવાન્સ અથવા આંશિક ઉપાડ માટેના હતા. સૌથી મહત્વની વાત એ છે કે 71 ટકા જેટલા એડવાન્સ ક્લેમ માત્ર 3 દિવસની અંદર જ સેટલ કરી દેવામાં આવ્યા હતા. સરકારનું માનવું છે કે આ નવી UPI આધારિત સિસ્ટમથી કરોડો કર્મચારીઓ માટે PF ઉપાડવાની પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનશે. ડિજિટલ ઈન્ડિયા મિશન હેઠળ આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે, જેનાથી નોકરિયાત વર્ગને સીધો લાભ મળશે.