Vadodara

સમા-કેનાલ રોડ પર ખાનગી બસ ચાલકની દાદાગીરી,પ્રવેશ અટકાવવા આડશ મૂકી છતાં બસ ઘુસાડી

( પ્રતિનિધિ )વડોદરા,તા.21

વડોદરાના સમા-કેનાલ રોડ પર ખાનગી બસના ચાલકે ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. પ્રતિબંધ હોવા છતાં ચાલકે રોંગ સાઇડથી વાહન ચલાવીને કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સામે આવતા નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે.

વડોદરાના સમા-કેનાલ રોડ પર મોટા વાહનો માટે પ્રવેશ પ્રતિબંધિત છે. આ માટે આડાશ પણ મૂકવામાં આવી હતી, છતાં લક્ઝરી બસના ચાલકે દાદાગીરી કરીને રોંગ સાઇડથી બસ ઘુસાડી દીધી હતી. આ ઘટનાને પગલે ત્યાંથી પસાર થતા એક નાગરિકે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું કે ખાનગી બસના ચાલકની આ ખોટી હિંમતનો જવાબ પોલીસે આપવો જ જોઇએ. આ ઘટનાએ પુરવાર કર્યું છે કે મોટા વાહનો ગમે ત્યારે આ શહેરને બાનમાં લઇ શકે છે. રોંગ સાઇડ ડ્રાઇવિંગના કારણે અકસ્માતનો ભય સતત રહે છે. ટ્રાફિક પોલીસ દ્વારા આવા બેજવાબદાર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસતી બસો અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ પર સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવા પણ રજૂઆત થઈ છે. જો પોલીસ આંખ આડા કાન કરશે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

Most Popular

To Top