વિદેશ પ્રવાસ પરથી પરત ફરતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં એક અત્યંત મહત્વપૂર્ણ હાઈ-લેવલ બેઠકની અધ્યક્ષતા કરવા જઈ રહ્યા છે. આ બેઠકને લઈને રાજકીય અને વહીવટી ગલિયારાઓમાં ભારે ચર્ચા અને સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. કારણ કે આ બેઠક માટે માત્ર કેબિનેટ મંત્રીઓને જ નહીં, પરંતુ તમામ રાજ્યકક્ષાના મંત્રીઓને પણ દિલ્હીમાં હાજર રહેવાનો ખાસ આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ આગામી થોડા દિવસો સુધી કોઈ પણ મંત્રીને દિલ્હીની બહાર ન જવા સૂચના અપાતા અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન મોદી G7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વિદેશ પ્રવાસે ગયા હતા. હવે તેઓ પરત ફર્યા બાદ સીધા જ દેશની હાલની આંતરિક અને વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ ચર્ચા કરશે. સૂત્રો મુજબ આ બેઠકમાં દેશની સુરક્ષા, આર્થિક સ્થિતિ, આંતરરાષ્ટ્રીય સંકટ અને સરકારના આગામી રાજકીય પગલાં જેવા મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થઈ શકે છે.
હાલ દુનિયાભરમાં સૌથી મોટો મુદ્દો અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલો તણાવ છે. મિડલ ઈસ્ટમાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિએ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને અસર પહોંચાડવાની ભીતિ ઊભી કરી છે. ખાસ કરીને હોર્મુઝની ખાડીમાં વધેલા તણાવના કારણે ક્રૂડ ઓઇલના સપ્લાય પર મોટો ખતરો ઊભો થયો છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું કાચું તેલ આયાત કરે છે, તેથી આ પરિસ્થિતિ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે. પીએમ મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન જ કેન્દ્ર સરકારે એક હાઈ-પાવર ગ્રૂપ બનાવ્યું હતું, જે આખી પરિસ્થિતિ પર 24 કલાક મોનીટરીંગ કરી રહ્યું છે. આ ગ્રૂપની આગેવાની રક્ષામંત્રી રાજનાથ સિંહ કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમન અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી પણ તેમાં સામેલ છે.
સરકારની સૌથી મોટી ચિંતા એ છે કે જો મિડલ ઈસ્ટમાં સંઘર્ષ વધુ વધશે તો તેની સીધી અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો, મોંઘવારી અને સપ્લાય ચેઈન પર પડી શકે છે. જોકે સરકાર તરફથી લોકોને ભરોસો અપાયો છે કે દેશમાં હાલમાં ક્રૂડ ઓઇલ અને એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાવાની જરૂર નથી. તેમ છતાં, વૈશ્વિક પરિસ્થિતિ સતત બદલાઈ રહી હોવાથી સરકાર કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માંગે છે. આ બેઠકને લઈને બીજી સૌથી મોટી ચર્ચા મોદી સરકાર 3.0 ના સંભવિત કેબિનેટ વિસ્તરણ અને ફેરબદલને લઈને છે. આગામી 10 જૂને મોદી સરકારના ત્રીજા કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. એવા સમયે સરકારમાં મોટા ફેરફારો થવાની અટકળો ખૂબ જ તેજ બની ગઈ છે. રાજકીય સૂત્રોનું માનવું છે કે જૂનના બીજા સપ્તાહમાં મોદી કેબિનેટમાં મોટું ફેરબદલ થઈ શકે છે. કેટલાક મંત્રીઓના વિભાગોમાં બદલાવ થઈ શકે છે, તો કેટલાક નવા ચહેરાઓને પણ તક મળી શકે છે. સરકારના એક વર્ષના કામકાજનું મૂલ્યાંકન કર્યા બાદ વડાપ્રધાન મોદી મંત્રીઓના પ્રદર્શનના આધારે નિર્ણય લઈ શકે છે.
આ કારણસર જ આજરોજ ગુરુવારે યોજાનારી બેઠકને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે આ બેઠકમાં મંત્રીઓના રિપોર્ટ કાર્ડની સમીક્ષા પણ થઈ શકે છે. સરકારના વિવિધ વિભાગોના કામકાજ, યોજનાઓની પ્રગતિ અને લોકો સુધી પહોંચેલા પરિણામો અંગે ચર્ચા થવાની સંભાવના છે. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે વડાપ્રધાન મોદી પોતાના ત્રીજા કાર્યકાળમાં વધુ આક્રમક અને પરિણામ આધારિત કાર્યશૈલી અપનાવવા માંગે છે. સરકાર હવે આગામી લોકસભા અને વિવિધ રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ પોતાની રણનીતિ મજબૂત બનાવી રહી છે. મંત્રીઓને દિલ્હીમાં જ રહેવા સૂચના આપવાનો નિર્ણય એ વાત દર્શાવે છે કે આગામી દિવસોમાં કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે. સામાન્ય રીતે આવી સૂચનાઓ ત્યારે જ આપવામાં આવે છે જ્યારે સરકાર મહત્વપૂર્ણ નીતિગત અથવા રાજકીય નિર્ણયોની તૈયારીમાં હોય.
મિડલ ઈસ્ટના વધતા તણાવ અને દેશની આર્થિક સ્થિતિ વચ્ચે સરકાર કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવા તૈયાર નથી. એક તરફ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, તો બીજી તરફ સરકારની અંદર પણ મોટા ફેરફારોની શક્યતાઓ વધી રહી છે. આ બેઠક બાદ દેશની રાજનીતિમાં નવા સંકેતો મળી શકે છે. ખાસ કરીને કેબિનેટ ફેરબદલ, નવા મંત્રીઓની એન્ટ્રી અને કેટલાક વરિષ્ઠ નેતાઓના વિભાગોમાં ફેરફાર જેવી બાબતો ચર્ચાના કેન્દ્રમાં રહી શકે છે. હાલ માટે તમામની નજર વડાપ્રધાન મોદીની આ મહત્વપૂર્ણ બેઠક પર ટકેલી છે. હવે જોવાનું રહેશે કે આ બેઠક માત્ર વૈશ્વિક સંકટ અંગેની ચર્ચા પૂરતી મર્યાદિત રહે છે કે પછી મોદી સરકાર 3.0 માં મોટા રાજકીય ફેરફારોનો માર્ગ પણ અહીંથી જ તૈયાર થાય છે.