Gujarat

​વૈશ્વિક પરિસ્થિતિઓને પગલે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : સરકારી વાહનો, પ્રવાસો અને ઈંધણ વપરાશ પર મુકાયા કડક નિયંત્રણો

​ગાંધીનગર

સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાને રાખીને રાજય સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને ફોરેન એક્ષચેન્જના (વિદેશી હૂંડિયામણ) વપરાશમાં ઘટાડો કરવા માટે તાત્કાલિક અસરથી રાજ્ય સરકાર દ્વારા કેટલાક કડક અને મહત્વપૂર્ણ પગલાંઓ જાહેર કરવામાં આવ્યા છે. સરકારના સામાન્ય વહીવટ વિભાગ (જીએડી ) દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્રમાં તમામ સરકારી વિભાગો, જાહેર સાહસો, નિગમો અને સ્વાયત્ત સંસ્થાઓને આ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવા આદેશ અપાયો છે.

​રાજયસરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મુખ્ય નિયંત્રણો અને માર્ગદર્શિકા નીચે મુજબ છે.

​૧. પ્રવાસો પર કાપ અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ

  • ​ઓનલાઈન બેઠકોને પ્રાધાન્ય: સરકારી કામકાજ માટે માત્ર જરૂરિયાત મુજબ જ પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. ક્ષેત્રીય અધિકારીઓ કે કર્મચારીઓને રૂબરૂ મિટિંગ માટે બોલાવવાના બદલે ટેલિફોન, ઈ-મેઈલ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવા આધુનિક માધ્યમોનો ઉપયોગ કરવાનો રહેશે.
  • ​વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ: અનિવાર્ય સંજોગો સિવાય કોઈપણ પ્રકારના વિદેશ પ્રવાસ, વિદેશી તાલીમ, સેમિનાર કે અભ્યાસ પ્રવાસોનું આયોજન ટાળવા જણાવાયું છે.
  • ​રાજ્ય બહારના પ્રવાસો પર મર્યાદા: અન્ય રાજ્યો કે કેન્દ્ર સરકારની બેઠકોમાં બને ત્યાં સુધી ઓનલાઈન સહભાગી થવું. જો પ્રવાસ અનિવાર્ય હોય, તો ઉચ્ચ અધિકારીઓએ પોતાની સાથે બિનજરૂરી સ્ટાફ કે અન્ય કર્મચારીઓને સાથે ન લઈ જવાની કાળજી રાખવી પડશે.
  • ​જિલ્લા બહાર પ્રવાસ માટે મંજૂરી: સરકારી કામ માટે શક્ય હોય ત્યાં સુધી જિલ્લા બહારની મુસાફરી ટાળવી અને જો જવું જ પડે તેમ હોય તો નિયંત્રણ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે.

​૨. સરકારી વાહનોના વપરાશ અંગે કડક નિયમો

  • ​વધારાના વાહનો જમા લેવાશે: દરેક વહીવટી વિભાગે પોતાના વાહનોની સમીક્ષા કરી વધારાના વાહનો બિનવપરાશમાં મૂકવાના રહેશે.
  • ​એકથી વધુ ચાર્જ ધરાવતા અધિકારીઓ માટે નિયમ: જો કોઈ અધિકારી એક કરતાં વધુ બોર્ડ, કોર્પોરેશન કે કંપનીનો વધારાનો હવાલો (Charge) સંભાળતા હોય, તો તેમને માત્ર એક જ મુખ્ય વાહન મળશે. બાકીના તમામ વાહનો તાત્કાલિક ધોરણે ‘સરકારી વાહન પુલ’ (Vehicle Pool) માં જમા કરાવવાના રહેશે.
  • ​ઈલેક્ટ્રિક વાહનોને અગ્રતા: જે અધિકારીઓ પાસે સરકારી વાહનોના વિકલ્પ તરીકે પેટ્રોલ-ડીઝલની સાથે ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) કે હાઇબ્રિડ મોડલ ઉપલબ્ધ હોય, તેઓએ માત્ર EV કે હાઇબ્રિડ વાહનોનો જ આગ્રહ રાખવાનો રહેશે.
  • ​જાહેર પરિવહનનો ઉપયોગ: પર્યાવરણની જાળવણી અને ઈંધણની બચત માટે અધિકારીઓ અને કર્મચારીઓને ખાનગી વાહનોનો ઉપયોગ ટાળીને મેટ્રો, એસ.ટી. બસ અને રેલવે જેવી જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

​૩. અન્ય મહત્વના નિર્ણયો અને આયોજન

  • ​સરકારી કેન્ટીનોમાં PNG કનેક્શન: રાજ્યની તમામ સરકારી કેન્ટીનોમાં આગામી ૬ મહિનાની અંદર પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્ટિવિટી મેળવવી ફરજિયાત કરવામાં આવી છે.
  • ​સ્વદેશી અને લોકલ ઉત્પાદનોને પ્રાધાન્ય: તમામ સરકારી ખરીદીઓમાં વિદેશી ચીજવસ્તુઓના બદલે સ્વદેશી સામાન, સ્થાનિક ઉત્પાદનો, MSMEs અને ભારતીય મૂળની સેવાઓને અગ્રતા આપવા માટે ખરીદ નીતિઓ વધુ મજબૂત કરાશે.
  • ​સાદગીપૂર્ણ કાર્યક્રમો: સરકારી વિભાગો દ્વારા યોજાતા વિવિધ કાર્યક્રમો સાદગીપૂર્ણ રીતે કરવા તેમજ લોકાર્પણ વગેરેના કાર્યક્રમો બને ત્યાં સુધી વર્ચ્યુઅલ (ઓનલાઈન) પદ્ધતિથી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
  • ​જનજાગૃતિ અભિયાન: વર્તમાન વૈશ્વિક સ્થિતિને કારણે સામાન્ય જનતામાં કોઈ ગભરાટ ન ફેલાય અને બિનજરૂરી ખરીદી કે સંગ્રહખોરી ન થાય તે માટે સરકાર દ્વારા જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે.

Most Popular

To Top