પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો મમતા બેનર્જી હવે એક નવા વિવાદમાં ઘેરાયા છે. તાજેતરમાં તેઓ કલકત્તા હાઇકોર્ટમાં વકીલના ગણવેશમાં જોવા મળ્યા હતા, જેના બાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) એ તેમના પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકેના સ્ટેટસ અંગે સત્તાવાર તપાસ શરૂ કરી છે. આ મામલો હવે કાયદાકીય અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વિવાદનું મુખ્ય કારણ એ છે કે મમતા બેનર્જીએ વર્ષો પહેલા વકીલ તરીકે નોંધણી કરાવી હતી, પરંતુ ત્યારબાદ તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા અને લાંબા સમય સુધી જાહેર હોદ્દા પર રહ્યા. ખાસ કરીને 2011થી 2026 સુધી તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રહ્યા હતા. નિયમો મુજબ, કોઈપણ વકીલ જો સરકારમાં નફાકારક અથવા જાહેર હોદ્દો સંભાળે તો તેને પોતાની કાયદાકીય પ્રેક્ટિસ સ્થગિત કરવાની જાણ સંબંધિત બાર કાઉન્સિલને કરવી ફરજિયાત બને છે. હવે સવાલ એ ઊભો થયો છે કે શું મમતા બેનર્જીએ મુખ્યમંત્રી બન્યા બાદ પોતાની પ્રેક્ટિસ સસ્પેન્ડ કરવાની જાણકારી બાર કાઉન્સિલને આપી હતી કે નહીં. સાથે જ એ પણ તપાસાઈ રહ્યું છે કે પદ છોડ્યા બાદ તેમણે ફરીથી વકીલાત શરૂ કરવા માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી હતી કે નહીં. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આ મામલે પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલને અનેક મહત્વના સવાલો પૂછ્યા છે.
BCI એ જાણવું માંગ્યું છે કે:
- શું મમતા બેનર્જીએ મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ દરમિયાન પોતાની પ્રેક્ટિસ સ્થગિત કરવાની માહિતી સત્તાવાર રીતે આપી હતી?
- શું તેમણે પદ છોડ્યા બાદ ફરી વકીલાત શરૂ કરવા માટે અરજી કરી હતી?
- શું હાલમાં તેમની પાસે માન્ય પ્રેક્ટિસ સર્ટિફિકેટ છે?
આ ઉપરાંત BCI એ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલને આગામી બે દિવસમાં મમતા બેનર્જી સંબંધિત તમામ સત્તાવાર દસ્તાવેજો અને રેકોર્ડ રજૂ કરવા આદેશ આપ્યો છે. તેમાં નોંધણી રજિસ્ટર, સસ્પેન્શન અથવા પુનઃબહાલી સંબંધિત દસ્તાવેજોની પ્રમાણિત નકલોનો સમાવેશ થાય છે. સૂત્રો અનુસાર, જો તપાસ દરમિયાન નિયમોના ઉલ્લંઘનના પુરાવા મળશે તો મમતા બેનર્જી સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. જોકે, અત્યાર સુધી મમતા બેનર્જી અથવા TMC તરફથી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે આ મામલો માત્ર એક વ્યક્તિ સુધી સીમિત નથી, પરંતુ વકીલાતના વ્યવસાયમાં વ્યાવસાયિક ધોરણો અને પારદર્શિતા જાળવવા માટે પણ મહત્વપૂર્ણ છે. બાર કાઉન્સિલના નિયમો અનુસાર કોઈ વ્યક્તિ એકસાથે સક્રિય રાજકીય હોદ્દો અને કાયદાકીય પ્રેક્ટિસ બંને કરી શકે નહીં, જ્યાં સુધી તે જરૂરી પ્રોટોકોલનું પાલન ન કરે. આ સમગ્ર ઘટનાએ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જગાવી છે. વિરોધ પક્ષો આ મુદ્દે TMC પર નિશાન સાધી શકે છે, જ્યારે મમતાના સમર્થકો તેને રાજકીય રીતે પ્રેરિત કાર્યવાહી ગણાવી રહ્યા છે. હવે સૌની નજર BCIની તપાસ અને પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલ દ્વારા આપવામાં આવતા જવાબો પર ટકેલી છે.