પશ્ચિમ એશિયામાં વધતા યુદ્ધ અને તણાવ વચ્ચે હવે તેની અસર આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર પર પણ જોવા મળી રહી છે. ઓમાનના દરિયાકાંઠે ભારતીય ધ્વજ ધરાવતા એક કાર્ગો જહાજ પર હુમલો થતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને લઈને ભારત સરકારે કડક પ્રતિક્રિયા આપી છે અને વ્યાપારી જહાજોને નિશાન બનાવવાની ઘટનાને અસ્વીકાર્ય ગણાવી છે. પ્રાથમિક માહિતી મુજબ, ગુજરાતના દેવભૂમિ દ્વારકાના રહેવાસી સુલતાન અહેમદ અંસારની માલિકીનું કાર્ગો જહાજ MSV હાજી અલી 13 મેના રોજ ઓમાનની જળસીમામાંથી પસાર થઈ રહ્યું હતું. જહાજ સોમાલિયાના બર્બેરા પોર્ટથી શારજાહ જઈ રહ્યું હતું. આ દરમિયાન જહાજ પર અચાનક ડ્રોન અથવા મિસાઇલ જેવા પ્રોજેક્ટાઇલથી હુમલો થયો હતો. હુમલા બાદ જહાજમાં ભીષણ આગ લાગી ગઈ હતી અને સ્થિતિ ગંભીર બનતાં આખરે જહાજ દરિયામાં ડૂબી ગયું હતું. આ ઘટનાએ સમગ્ર શિપિંગ ઉદ્યોગમાં ચિંતા વધારી દીધી છે. છેલ્લા કેટલાક મહિનાથી પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષને કારણે દરિયાઈ માર્ગો જોખમમાં મુકાયા છે. ખાસ કરીને ઓમાન, હોર્મુઝ અને ખાડી વિસ્તાર હવે અત્યંત સંવેદનશીલ બની ગયા છે.
હુમલા બાદ સૌથી મોટી રાહતની વાત એ રહી કે જહાજ પર સવાર તમામ 14 ભારતીય ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત બચી ગયા છે. હુમલા પછી વહેલી સવારે જહાજ ઓમાનના દરિયાકાંઠે ફસાઈ ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને જોતા ઓમાન કોસ્ટ ગાર્ડે તરત જ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. તમામ ખલાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ભારતના વિદેશ મંત્રાલયે ઓમાન સરકાર અને કોસ્ટ ગાર્ડનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ મંત્રાલયે આ હુમલાની સખત નિંદા કરી છે. વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ, નિર્દોષ નાગરિકો અને વ્યાપારી જહાજોને નિશાન બનાવવાની કોઈપણ હરકત સ્વીકાર્ય નથી. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર નેવિગેશનની સ્વતંત્રતા જાળવવી અત્યંત જરૂરી છે અને વેપારી જહાજોની સુરક્ષા માટે વૈશ્વિક સ્તરે ગંભીર પ્રયાસો થવા જોઈએ.
તાજેતરમાં અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર સંયુક્ત હુમલા કર્યા હતા, જેના કારણે સમગ્ર ખાડી વિસ્તારમાં તણાવ વધી ગયો છે. ઈરાને પણ જવાબી કાર્યવાહી કરતા અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા. આ ઉપરાંત, ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવાની ચેતવણી આપી છે. વિશ્વના મોટા પ્રમાણમાં તેલ અને વેપારનું પરિવહન આ જ માર્ગથી થાય છે. જો આ માર્ગ પર ખતરો વધશે તો વૈશ્વિક વેપાર અને ક્રૂડ ઓઇલ સપ્લાય પર મોટી અસર પડી શકે છે.
ભારત માટે પણ આ વિસ્તાર ખૂબ મહત્વનો છે કારણ કે ભારતનો મોટો વેપાર અને ઊર્જા સપ્લાય પશ્ચિમ એશિયા મારફતે જ થાય છે. આવી સ્થિતિમાં ભારતીય જહાજ પર થયેલો હુમલો માત્ર સુરક્ષાનો મુદ્દો નથી, પરંતુ ભારતના વેપાર અને વ્યૂહાત્મક હિતો સાથે પણ સીધો જોડાયેલો છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. હુમલો કોણે કર્યો અને પાછળનો હેતુ શું હતો તે અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે પશ્ચિમ એશિયાનો વધતો તણાવ હવે વૈશ્વિક વેપાર માટે પણ ગંભીર જોખમ બની રહ્યો છે.