લગ્ન બાદ પતિ સહિતના સાસરિયાની વધુ રૂ.25 લાખની માંગણી, નહીં લાવે તો પતિના બીજા લગ્ન કરાવવાની ધમકી આપતા હતા
પતિ સહિત સાસરીયાઓ સામે કાર્યવાહી કરવા મૃતક ભાઈએ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા
વડોદરા, તા.14
વડોદરાના સોમાતળાવ વિસ્તારમાં રહેતી પરિણીતા મમતાસિંહના રહસ્યમય મોત બાદ તેના પતિ, સાસુ અને સસરા સામે દહેજ માટે ત્રાસ, મારઝૂડ અને માનસિક હેરાનગતિના ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાઈ છે. પરિણીતાના ભાઈએ આક્ષેપ કર્યો છે કે, લગ્ન બાદ સતત વધુ દહેજની માંગણી કરવામાં આવતી હતી અને પરિણીતાને શારીરિક તેમજ માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી.
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના શિવરાજપુર ગામે રહેતા વિશ્વપ્રતાપસિંહ છત્રપતિસિંહ સિંઘે જણાવ્યું હતું કે, તેમની બહેન મમતાસિંહના લગ્ન 26 જાન્યુઆરી 2025ના રોજ વડોદરાના સોમાતળાવ વિસ્તારમાં રહેતા આશુતોષ મુકેશભાઈ ઠાકોર સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન પ્રસંગે દહેજરૂપે રોકડ રકમ, સોનાના દાગીના, ડાયમંડ રીંગ તેમજ એમ.જી. હેક્ટર પ્લસ કાર ખરીદવા માટે મળીને લાખો રૂપિયાનું કરીયાવર આપવામાં આવ્યું હતું.
પરંતુ લગ્ન પછી મમતાસિંહને તેના પતિ આશુતોષ, સાસુ આરતીબેન અને સસરા મુકેશભાઈ દ્વારા વધુ રૂ.25 લાખ લાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું જણાવાયું છે. રૂપિયા ન લાવે તો છૂટાછેડા કરાવી દેવાની તેમજ પતિએ અન્ય યુવતી સાથે સંબંધ હોવાનું કહી બીજા લગ્ન કરવાની ધમકી આપતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, પરિણીતાને અવારનવાર મારઝૂડ કરવામાં આવતી હતી, નાની-મોટી બાબતે અપમાનિત કરવામાં આવતી હતી તેમજ ક્યારેક ખાવાનું પણ આપવામાં આવતું ન હતું. મમતાસિંહે અનેક વખત ફોન પર પોતાની માતા અને ભાઈ-બહેનોને સાસરીયાઓ દ્વારા થતા ત્રાસ અંગે જાણ કરી હતી. તેમ છતાં પરિવારજનોએ સમાજમાં આબરૂ જળવાઈ રહે તે હેતુથી સમાધાનનો પ્રયાસ કર્યો હતો.
દરમિયાન તા.09 મે 2026ના રોજ સવારે મમતાસિંહના સસરા મુકેશભાઈએ ફોન કરીને તેની તબિયત બગડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું અને ડોક્ટરે મૃત જાહેર કરી હોવાનું જણાવ્યું હતું. પરિવારજનો વડોદરા પહોંચ્યા બાદ મમતાસિંહનો મૃતદેહ એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ ગાજરાવાડી રામનાથ સ્મશાન ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી.
પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, લગ્ન બાદથી જ મમતાસિંહને વધુ દહેજ માટે સતત ત્રાસ આપવામાં આવતો હતો અને આ જ માનસિક તથા શારીરિક હેરાનગતિના કારણે તેનું મોત થયું હોવાનું માનવામાં આવે છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.