Sports

IPLમાં વિરાટનો નવો ઇતિહાસ, સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બન્યો, IPL રેકોર્ડબુકમાં લખાયું નવું નામ

આઈપીએલ 2026માં વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ સતત ચર્ચાનો વિષય બની રહ્યું છે. કોલકાતા નાઇટ રાઈડર્સ (KKR) સામે રમાયેલી મહત્વપૂર્ણ મેચમાં કોહલીએ માત્ર પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને જીત અપાવી નહોતી, પરંતુ સાથે સાથે અનેક ઐતિહાસિક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા હતા. રાયપુરમાં રમાયેલી આ મેચ વિરાટ કોહલી માટે ખાસ બની ગઈ, કારણ કે આ મેચ સાથે તેણે IPL ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બનવાની સિદ્ધિ મેળવી હતી. KKR સામે મેદાનમાં ઉતરતાની સાથે જ કોહલીએ IPLમાં પોતાની 279મી મેચ રમી હતી. આ પહેલા આ રેકોર્ડ એમએસ ધોની અને રોહિત શર્માના નામે હતો. બંને ખેલાડીઓએ IPLમાં 278-278 મેચ રમી હતી, પરંતુ હવે કોહલી આ યાદીમાં સૌથી ઉપર પહોંચી ગયો છે. IPLના સૌથી સફળ અને અનુભવી ખેલાડીઓમાં ગણાતા વિરાટ માટે આ સિદ્ધિ ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે.

માત્ર રેકોર્ડ સુધી જ વાત મર્યાદિત રહી નહોતી. કોહલીએ બેટિંગમાં પણ કમાલ કરી હતી. તેણે આક્રમક અંદાજમાં બેટિંગ કરતા માત્ર 60 બોલમાં અણનમ 105 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 3 લાંબા છગ્ગાનો સમાવેશ થતો હતો. કોહલીની આ ધમાકેદાર સદીના કારણે RCBએ KKR સામે 6 વિકેટે યાદગાર જીત મેળવી હતી. આ સદી કોહલીના IPL કરિયરની 9મી સદી હતી, જ્યારે ઓવરઓલ ટી20 ક્રિકેટમાં તેની 10મી સેન્ચુરી બની હતી. વર્ષો બાદ પણ વિરાટનો બેટ એ જ રીતે બોલી રહ્યો છે અને તે સતત પોતાની ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી રહ્યો છે. IPL 2026માં પણ તે ઓરેન્જ કેપની રેસમાં મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યો છે.

વિરાટ કોહલીએ આ મેચ દરમિયાન અન્ય અનેક ખાસ સિદ્ધિઓ પણ હાંસલ કરી હતી. તે IPL ઈતિહાસમાં એક જ ફ્રેન્ચાઈઝી માટે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયો છે. શરૂઆતથી જ RCB સાથે જોડાયેલા વિરાટે પોતાની સમગ્ર IPL કારકિર્દી એક જ ટીમ માટે સમર્પિત રાખી છે. ક્રિકેટપ્રેમીઓ માટે આ વફાદારી અને સમર્પણનું મોટું ઉદાહરણ માનવામાં આવે છે. આ સિવાય કોહલીએ વધુ એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે IPLની 12 અલગ-અલગ સીઝનમાં 400થી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ આંકડો તેની સતત પ્રદર્શન કરવાની ક્ષમતાને દર્શાવે છે. વર્ષો સુધી ફોર્મ જાળવી રાખવું કોઈ પણ ખેલાડી માટે સરળ નથી, પરંતુ કોહલીએ પોતાની મહેનત અને ફિટનેસના જોરે આ શક્ય બનાવ્યું છે.

T20 ક્રિકેટમાં પણ વિરાટ કોહલીએ મોટો મુકામ હાંસલ કર્યો હતો. તેણે પોતાના 14,000 ટી20 રન પૂરા કર્યા હતા. ખાસ વાત એ રહી કે તેણે આ સિદ્ધિ માત્ર 409 ઇનિંગમાં મેળવી હતી, જે અત્યાર સુધીની સૌથી ઝડપી સિદ્ધિ માનવામાં આવે છે. આ મામલે તેણે ક્રિસ ગેલ અને ડેવિડ વોર્નર જેવા દિગ્ગજ ખેલાડીઓને પણ પાછળ છોડી દીધા છે. વિરાટ કોહલીના આ શાનદાર પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર પણ તેની જોરદાર ચર્ચા થઈ રહી છે. ક્રિકેટ ચાહકો તેને કિંગ કોહલી કહીને વધાવી રહ્યા છે. ઘણા નિષ્ણાતોનું માનવું છે કે 37 વર્ષની ઉંમરે પણ વિરાટ જે રીતે રમત બતાવી રહ્યો છે, તે યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે. KKR સામેની આ મેચ માત્ર એક જીત નહોતી, પરંતુ વિરાટ કોહલીના કરિયરના વધુ એક ઐતિહાસિક અધ્યાય તરીકે યાદ રાખવામાં આવશે. તેણે ફરી સાબિત કરી દીધું કે રેકોર્ડ બનાવવું અને તેને તોડવું તેની જૂની આદત છે.

Most Popular

To Top