India

દેશમાં ખાંડ મોંઘી ન થાય તે માટે સરકાર એક્શનમાં, એક્સપોર્ટ પર લગાવ્યો બ્રેક

દેશમાં ખાંડના વધતા ભાવને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. સરકારે તાત્કાલિક અસરથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. આ પ્રતિબંધ કાચી, સફેદ અને શુદ્ધ, ત્રણેય પ્રકારની ખાંડ પર લાગુ પડશે. સરકારના આદેશ અનુસાર આ પ્રતિબંધ 30 સપ્ટેમ્બર 2026 સુધી અમલમાં રહેશે, જોકે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને વધુ સમય માટે લંબાવવામાં પણ આવી શકે છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે દેશમાં ખાંડના ભાવમાં અચાનક વધારો ન થાય અને સ્થાનિક બજારમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ખાંડના ઉત્પાદનમાં ઘટાડાની આશંકા વ્યક્ત થઈ રહી છે, જેના કારણે સરકાર પહેલેથી જ સાવચેત બની ગઈ છે.

ભારત વિશ્વમાં બ્રાઝિલ પછીનો બીજો સૌથી મોટો ખાંડ ઉત્પાદક અને નિકાસકાર દેશ છે. સામાન્ય રીતે દેશમાં ઉત્પાદન સ્થાનિક જરૂરિયાત કરતાં વધારે રહેતું હોવાથી સરકાર ખાંડની નિકાસને મંજૂરી આપતી આવી છે. અગાઉ પણ સરકારે મિલોને લગભગ 1.5 મિલિયન મેટ્રિક ટન ખાંડની નિકાસ કરવાની છૂટ આપી હતી. પરંતુ હવે સ્થિતિ બદલાતી જોવા મળી રહી છે. નિષ્ણાતોના મતે દેશના મુખ્ય શેરડી ઉત્પાદક વિસ્તારોમાં પાકની સ્થિતિ ચિંતાજનક બની શકે છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં હવામાનની અસર શેરડીના ઉત્પાદન પર પડી શકે છે. જો ઉત્પાદન ઘટશે તો તેની સીધી અસર ખાંડના જથ્થા અને ભાવ પર જોવા મળશે.

સરકારની ચિંતા પાછળનું એક મોટું કારણ અલ નીનોની અસર પણ છે. હવામાન વિભાગ અને કૃષિ નિષ્ણાતો માને છે કે અલ નીનોના કારણે ચોમાસું નબળું રહી શકે છે. વરસાદમાં ઘટાડો થાય તો શેરડીના પાકને ભારે નુકસાન પહોંચી શકે છે. શેરડી પાણી પર આધારિત પાક હોવાથી વરસાદમાં થતી અનિયમિતતા ઉત્પાદન ઘટાડવાનું મોટું કારણ બની શકે છે. જો ઉત્પાદન ઓછું થશે અને નિકાસ ચાલુ રહેશે તો સ્થાનિક બજારમાં ખાંડની અછત સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં ભાવ ઝડપથી વધી શકે છે, જેનો સીધો અસર સામાન્ય લોકો પર પડશે. ખાસ કરીને તહેવારોની સીઝન દરમિયાન ખાંડની માંગ વધી જતી હોવાથી સરકાર પહેલેથી જ બજાર સ્થિર રાખવા પ્રયાસ કરી રહી છે.

ખાંડ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે સરકારનો આ નિર્ણય સ્થાનિક બજારને સ્થિર રાખવામાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ તેની અસર નિકાસકારો અને શુગર મિલો પર પણ પડશે. નિકાસ અટકતાં કેટલીક મિલોને આર્થિક દબાણનો સામનો કરવો પડી શકે છે. જોકે સરકાર માટે હાલ સૌથી મોટો મુદ્દો દેશમાં પુરવઠો જાળવી રાખવાનો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભારતના આ નિર્ણયની અસર જોવા મળી શકે છે. ભારત વિશ્વના મોટા નિકાસકારોમાં સામેલ હોવાથી તેની નિકાસ પર પ્રતિબંધનો અસર વૈશ્વિક ખાંડ બજાર પર પણ પડી શકે છે. કેટલાક દેશો માટે ખાંડની સપ્લાયમાં તંગી સર્જાવાની શક્યતા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય ભાવમાં પણ વધારો થઈ શકે છે. આગામી મહિનાઓમાં ચોમાસાની સ્થિતિ, શેરડીનું ઉત્પાદન અને સ્થાનિક માંગને ધ્યાનમાં રાખીને સરકાર આગળના નિર્ણય લઈ શકે છે. જો ઉત્પાદન સુધરશે તો નિકાસ પરનો પ્રતિબંધ હળવો કરવામાં આવી શકે છે, પરંતુ હાલ સરકાર ભાવ નિયંત્રણ અને સ્થાનિક ઉપલબ્ધતાને પ્રથમ પ્રાથમિકતા આપી રહી છે.

Most Popular

To Top