ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં 15થી વધુ ભરતી પરીક્ષાઓ પેપર લીક કે અન્ય ગેરરીતિ થવાને કારણે રદ થઈ છે. બેરોજગાર યુવાનો રાત-દિવસ એક કરી સરકારી નોકરી મેળવવા અથાગ મહેનત કરે, પરીક્ષા આપે અને આખરે એ પરીક્ષા રદ થાય ત્યારે ઉમેદવારોની હતાશા અને નિરાશા ચરમસીમાએ પહોંચે છે. લાખો ઉમેદવારોની ફીના કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી પણ સરકારનું પરીક્ષાતંત્ર નિષ્ફળ નીવડે એ કેવી વિભીષિકા? હાલમાં રાષ્ટ્રીય સ્તરે લેવાયેલ નીટની પરીક્ષા પણ પેપર ફૂટવાને કારણે રદ થઈ.
ધોરણ બારમાની વૈતરણી સામે પૂરે તરીને પસાર કરનાર વિદ્યાર્થી મેડિકલ ક્ષેત્રમાં જવા માટે ફરી તનતોડ મહેનત કરે, પરીક્ષા આપે અને એ પરીક્ષા જ રદ થાય. ફરીથી એ પરીક્ષા આપવાની થાય. ફરી તૈયારી, નવી તારીખે પરીક્ષાની અસંબદ્ધતા જેવી સ્થિતિમાં વિદ્યાર્થીઓની માનસિકતા દયનીય બને છે. પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી આ વિડંબણા ડિપ્રેશન ઊભું કરે છે. વ્યવસ્થાતંત્રની નબળાઈનો ભોગ આશાસ્પદ નવી પેઢીના વિદ્યાર્થીઓ બને તે ખરેખર ખૂબ ગંભીર ઘટના છે. જવાબદારો સામે યોગ્ય પગલાં લઈ દેશ આખાની આશાસ્પદ નવી પેઢીને હતાશામાં ધકેલનારને કડક નશ્યત થવી જોઈએ.
કીમ, સુરત – પ્રકાશ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.