Gujarat

​પીએમ મોદીની ‘આર્થિક આત્મરક્ષા’ની અપીલનો ગુજરાતમાં પડઘો: રાજ્યપાલ, સીએમ અને મંત્રીઓ દ્વારા સાદગીના શપથ

​ગાંધીનગર,તા.13

“યથા રાજા તથા પ્રજા”ની ઉક્તિને સાર્થક કરતા ગુજરાતના ટોચના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘આર્થિક આત્મરક્ષા’ અને ઈંધણ બચતની અપીલને મિશન મોડમાં ઉપાડી લીધી છે. રાષ્ટ્રીય અર્થતંત્રને મજબૂત કરવા અને બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે રાજ્યના રાજ્યપાલથી લઈને મુખ્યમંત્રી અને મંત્રીઓએ પ્રેરણાદાયી વ્યક્તિગત નિર્ણયો લીધા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજુલામાં મોટી પહેલ
​રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઈંધણ બચતની દિશામાં કડક પગલાં લીધા છે. રાજુલા ખાતેની મુલાકાત દરમિયાન તેમણે પોતાની સાદગીનો પરિચય આપતા કોન્વોય (કાફલા)માંથી 10 કરતા વધુ વાહનો દૂર કરાવ્યા હતા. મુખ્યમંત્રીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જરૂરિયાત વગરના વાહનોના ઉપયોગથી બચવું જોઈએ.

રાજ્યપાલ હવે ST બસ અને ટ્રેનમાં કરશે સફર
​રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સાદગીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે હેલિકોપ્ટર કે હવાઈ મુસાફરીનો મોહ ત્યાગીને હવેથી ST બસ અને ટ્રેનમાં મુસાફરી કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવવા માટે તેમણે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં અઠવાડિયામાં એક દિવસ “કમ્બશન એન્જિન મુક્ત દિવસ” મનાવવાની જાહેરાત કરી છે. આ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માત્ર સાયકલ કે ઇલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ કરશે.

હર્ષ સંઘવીએ વિદેશ પ્રવાસ રદ કર્યો
​રાજ્યના ડે સીએમ હર્ષ સંઘવીએ રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપતા પોતાનો પ્રસ્તાવિત અમેરિકા પ્રવાસ રદ કર્યો છે. અમેરિકામાં FOGAUSA દ્વારા આયોજિત ગુજરાતી કન્વેન્શનમાં તેઓ હાજરી આપવાના હતા, પરંતુ પીએમની ‘વિદેશ પ્રવાસ ટાળવાની’ અપીલને માન આપી તેમણે દેશમાં જ રહીને ઈંધણ અને વિદેશી મુદ્રા બચાવવાનો નિર્ણય કર્યો છે.

સુરક્ષાના કાફલા (પાયલોટિંગ)નો ત્યાગ
​કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પાયલોટિંગ અને એસ્કોર્ટ ગાડીઓનો ઉપયોગ બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે. હવે આ બંને નેતાઓ સામાન્ય નાગરિકની જેમ કોઈપણ સુરક્ષા કાફલા વગર મુસાફરી કરશે, જેનાથી સરકારી તિજોરી પરનું ભારણ ઘટશે અને ઈંધણની મોટી બચત થશે.
ગુજરાતના નેતાઓ દ્વારા લેવાયેલા આ નિર્ણયોથી ‘આર્થિક આત્મરક્ષા’ના આ અભિયાનથી માત્ર ઈંધણની જ બચત નહીં થાય, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને કરકસરના નવા યુગની શરૂઆત થશે.

Most Popular

To Top