Business

યુદ્ધનો અંત લાવવા ઇરાન પર ચીન પાસે દબાણ કરાવવામાં ટ્રમ્પ સફળ રહેશે?

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાતે જઇ રહ્યા છે. આ લખાણ તમારા હાથમાં આવશે ત્યારે અમેરિકી પ્રમુખ ચીન જવા માટે માર્ગમાં હશે. બુધવારે સાંજે તેઓ ચીન પહોંચવાનો કાર્યક્રમ ધરાવે છે. આ મુલાકાત ખૂબ મહત્વની એટલા માટે છે કે છેલ્લા કેટલાક સમયમાં  વિવિધ મુદ્દે, ખાસ કરીને ટેરિફ સહિતના આર્થિક મુદ્દાઓ પર આ બંને મહાસત્તાઓ વચ્ચે ઘણો તનાવ સર્જાયો છે. ચીની પ્રમુખ જિનપિંગના આમંત્રણ પર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૧૩ થી ૧૫ મે દરમિયાન ચીનની સત્તાવાર મુલાકાત લેશે, તેમ ચીની  વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોમવારે જાહેરાત કરી હતી. લગભગ નવ વર્ષમાં કોઈ અમેરિકી પ્રમુખની આ પ્રથમ ચીન મુલાકાત હશે.

ટ્રમ્પ પોતે ૨૦૧૭માં તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ચીનની  મુલાકાત લેનારા છેલ્લા અમેરિકી પ્રમુખ હતા. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે  લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, હોર્મુઝની સામુદ્રધુનીમાં નાકાબંધીને કારણે વૈશ્વિક ઉર્જા સંકટ ઊભું થયું છે, અને આર્થિક ઉપરાંત તાઈવાન સહિતના અનેક  મુદ્દાઓ પર અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ચાલુ રહ્યો છે. રવિવારે, અમેરિકાના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી એના કેલીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ  બુધવારે સાંજે બેઇજિંગ પહોંચશે,  તેમણે આ મુલાકાતને ‘પ્રતીકાત્મક મહત્વ’ ધરાવતી મુલાકાત ગણાવી હતી.

આમ તો ઇરાન યુદ્ધ શરૂ થયું તેના પહેલાથી ટ્રમ્પની ચીનની મુલાકાત નક્કી થઇ ગઇ હતી. બંને દેશો વચ્ચે ભલે વૈમન્સ્ય હોય પરંતુ આજના સંજોગોમાં બંનેને એકબીજા વગર ચાલે તેમ નથી. દુર્લભ ખનિજો સહિતની બાબતોમાં અમેરિકાને ચીનની ગરજ છે તો ચીનને પણ અમેરિકાની કેટલીક ટેકનોલોજીની જરૂર છે. ચીનને અમેરિકાનું વિશાળ બજાર પણ જોઇએ છે. અને જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે મુલાકાતનો સમય આવી ગયો છે.

કેલીએ જણાવ્યું કે અમેરિકી નેતા ગુરુવારે સ્વાગત સમારોહ અને ટ્રમ્પ શી  જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠકમાં હાજરી આપશે, ત્યારબાદ તેઓ ‘ટેમ્પલ ઓફ હેવન’ની મુલાકાત લેશે અને સત્તાવાર ભોજન સમારંભમાં સામેલ  થશે. બંને દેશોના નેતાઓ શુક્રવારે ફરીથી દ્વિપક્ષીય ચા અને વર્કિંગ લંચ માટે મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા આ વર્ષના અંતમાં ચીની નેતાની  વળતી મુલાકાતનું આયોજન કરવાનું પણ વિચારી રહ્યું છે.

બંને દેશો વચ્ચે શું સમજૂતિઓ અને કરારો થશે તે તો બાદમાં જાણવા મળશે પરંતુ એમ લાગે છે કે દક્ષિણ ચીની સમુદ્ર અને તાઇવાનના મુદ્દે બંને દેશો વચ્ચેના મતભેદો હાલ તો નહીં જ ઉકેલાય. ચીનના દુર્લભ ખનિજોની બાબતે બંને દેશો વચ્ચે કરાર થઇ શકે છે તો ટ્રમ્પ ચીન પરના ટેરિફ કંઇક ઘટાડી શકે છે તેમ હાલ તો લાગે છે.  ડ્રગ્સ એક બીજો મહત્વનો મુદ્દો છે. અમેરિકા સતત ચીન પર અમેરિકામાં ઘૂસાડવામાં આવતા કેફી દ્રવ્યોની બાબતમાં આંગળીઓ ચિંધતું આવ્યું છે. જો કે ટ્રમ્પની મુલાકાત પહેલા જ બંને દેશોની ફ્રગ્સ એજન્સીઓએ કેફી દ્રવ્યો સામે કાર્યવાહી કરી છે તેથી આ મુદ્દે પણ સમજૂતિ થાય એમ લાગે છે.

પરંતુ આ મુલાકાત ઇરાન યુદ્ધ સંદર્ભમાં પણ મહત્વની બની રહે તેમ છે.ઇરાને હોર્મુઝની ખાડીના માર્ગમાં અવરોધો ઉભા કર્યા છે તેનાથી દુનિયાભરના ખનિજ પુરવઠા અને જહાજી વ્યવહારને અસર થઇ છે. અત્યારે ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ હતો પરંતુ  ટ્રમ્પની ચીનની મુલાકાત ટાણે જ અમેરિકા અને ઇરાન વચ્ચે ફરીથી મડાગાંઠ સર્જાઇ છે  અને એમ માનવામાં આવે છે કે ટ્રમ્પ ચીની પ્રમુખ જિનપિંગને વર્તમાન અનિશ્ચિતતાનો અંત લાવવા ઇરાન પર દબાણ કરવા વિનંતી કરશે. ચીન  એ ઇરાની ક્રૂડનું સૌથી મોટું ગ્રાહક છે એ બાબત આમાં મદદરૂપ થઇ શકે છે. બેઇજિંગ ઈરાનનું 80-90% પ્રતિબંધિત તેલ ખરીદે છે, જે તેને તેહરાન પર નોંધપાત્ર આર્થિક પ્રભાવ આપે છે.  ટ્રમ્પ એવી અપેક્ષા રાખે છે કે શી જિનપિંગ આ આર્થિક દબાણનો ઉપયોગ કરે, જેથી ઈરાનને સમજૂતી માટે મજબૂર કરી શકાય અને વૈશ્વિક ઇંધણના ભાવમાં થતો વધારો અટકાવી શકાય. 

જોકે બંને પક્ષો મોટા સંઘર્ષને ટાળવામાં રસ ધરાવે છે, પરંતુ તેમની ઊંડી અને વિરોધાભાસી માંગણીઓને કારણે ઝડપી ઉકેલ આવવો મુશ્કેલ છે, અને હાલમાં યુદ્ધવિરામની સ્થિતિ અત્યંત નાજુક છે. ટ્રમ્પે યુદ્ધ વિરામને સોમવારે લાઇફ સપોર્ટ પર ગણાવ્યો હતો. ટ્રમ્પ આગાહી નહીં કરી શકાય તેવી વ્યક્તિ છે પરંતુ તે સાથે જ ગણતરીઓથી ચાલનાર વ્યક્તિ પણ છે. અમુક દષ્ટિએ ઇરાનમાં અમેરિકા ફસાઇ ગયું હોય તેમ લાગે છે ત્યારે તેવા સંજોગોમાં ઇરાન યુદ્ધનો અંત લાવવા માટે ટ્રમ્પ દબાણ લાવવા માટે ચીની પ્રમુખ જીનપિંગને વિનંતી કરે તેવી ઘણી શક્યતા છે. જો કે ચીન કેટલી દાદ આપે છે અને ઇરાન પર દબાણ કરે છે કે નહીં તે જોવાનું રહે છે.

Most Popular

To Top