ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક અનોખા કારણસર ચર્ચામાં આવ્યા હતા. એક જર્મન-સાઉથ આફ્રિકન મોડલ અને ઇન્ફ્લુએન્સર લિઝલાઝની તસવીર કથિત રીતે વિરાટ કોહલીએ લાઈક કરી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. હવે આ સમગ્ર મામલે લિઝલાઝે એક મોટો દાવો કરીને ફરી ચર્ચા જગાવી છે. તેણે કહ્યું છે કે વિરાટ કોહલીનું નામ ઉછાળવા અને ક્રિકેટરને બદનામ કરવા માટે કેટલીક મેગેઝિન અને પત્રકારોએ તેને પૈસાની ઓફર કરી હતી. એક એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં લિઝલાઝે જણાવ્યું કે વિરાટ કોહલીની કથિત લાઈક પછી તેની જિંદગી રાતોરાત બદલાઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર લોકો સતત તેને મેસેજ અને કોલ કરવા લાગ્યા હતા. દરેક વ્યક્તિ એ જ વાત કરી રહી હતી કે વિરાટ કોહલીએ તેની પોસ્ટ લાઈક કરી છે. લિઝલાઝે કહ્યું કે તે પોતે વિરાટ કોહલીની મોટી ફેન છે અને આ ઘટના બાદ ખૂબ ખુશ અને ભાવુક થઈ ગઈ હતી.
તેણે કહ્યું કે તેને બિલકુલ અંદાજ નહોતો કે એક લાઈક બાદ આટલો મોટો હોબાળો મચી જશે. અલગ-અલગ મેગેઝિન અને મીડિયા પ્લેટફોર્મ્સમાંથી સતત ફોન આવવા લાગ્યા હતા. શરૂઆતમાં તેને આ બધું અચંબિત કરનારું લાગ્યું, પરંતુ થોડા સમય પછી કેટલીક ઓફરોએ તેને ચોંકાવી દીધી હતી. લિઝલાઝના જણાવ્યા અનુસાર કેટલાક પત્રકારો અને મીડિયા હાઉસોએ તેને વિરાટ કોહલી વિશે ખોટી વાતો કહેવા માટે દબાણ કર્યું હતું. તેણે દાવો કર્યો કે કેટલાક લોકોએ તો પૈસા આપવાની પણ ઓફર કરી હતી જેથી તે વિરાટ પર એવા આરોપો મૂકે જે તેમણે ક્યારેય કર્યા જ નથી. જોકે, લિઝલાઝે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે પૈસા માટે કોઈની છબી ખરાબ કરવા તૈયાર નથી. તેણે કહ્યું, “હું આવું શા માટે કરું? મેં ખુદ કહ્યું હતું કે વિરાટ કોહલી મારા મનપસંદ ક્રિકેટર છે. પછી હું પૈસા માટે તેમના વિશે ખોટી વાતો કેમ બોલું? હું એવી વ્યક્તિ નથી.” લિઝલાઝના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

આ આખો મામલો ત્યારે શરૂ થયો હતો જ્યારે ફોટોગ્રાફર અદ્વૈત વૈદ્યે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિરાટ કોહલીના સત્તાવાર એકાઉન્ટ પરથી લિઝલાઝની જૂની તસવીર લાઈક કરવામાં આવી હતી. અદ્વૈતે આ અંગે એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે “જ્યારે GOAT વિરાટ કોહલી તમારી પોસ્ટ લાઈક કરે ત્યારે કેવી પ્રતિક્રિયા આપવી?” આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ હતી. લિઝલાઝ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 5 લાખથી વધુ ફોલોઅર્સ છે. ખાસ કરીને ભારતમાં તે પોતાના ટ્રાવેલ અને ફૂડ કન્ટેન્ટ માટે જાણીતી બની છે. ‘સમોસા સમોસા’ જેવા તેના વીડિયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. ઇન્ટરવ્યુ દરમિયાન તેણે ફરી એકવાર જણાવ્યું કે વિરાટ કોહલી તેના ફેવરિટ ક્રિકેટર છે.
આવો વિવાદ વિરાટ કોહલી સાથે પહેલીવાર જોડાયો નથી. ગયા વર્ષે અભિનેત્રી અવનીત કૌરની એક પોસ્ટને લાઈક કરવા બદલ પણ વિરાટ ચર્ચામાં આવ્યા હતા. જોકે થોડા સમય પછી તે લાઈક ડિલીટ થઈ ગઈ હતી, પરંતુ ત્યાં સુધી સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો હતો. ત્યારબાદ વિરાટે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ફીડ ક્લિયર કરતી વખતે ઇન્સ્ટાગ્રામના અલ્ગોરિધમની ભૂલને કારણે આ ઇન્ટરએક્શન થયું હતું અને તેનો કોઈ વ્યક્તિગત ઇરાદો નહોતો. વિરાટે લોકોને અપીલ કરી હતી કે તેઓ બિનજરૂરી વાતો અને અફવાઓ ન ફેલાવે. હવે લિઝલાઝના નવા દાવા બાદ આ સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.