તમિલનાડુમાં C. Joseph Vijayના નેતૃત્વમાં નવી સરકાર રચાયા બાદ હવે તેમની કેબિનેટ પણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. ફિલ્મી દુનિયાના સુપરસ્ટારથી રાજકારણી બનેલા વિજયે પોતાની પ્રથમ મંત્રીમંડળ રચનામાં યુવાનો અને અનુભવી ચહેરાઓ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે. નવી “ટીમ વિજય”માં ડોક્ટર, વકીલ, પૂર્વ બ્યુરોક્રેટ્સ, બિઝનેસમેન અને અનુભવી રાજકારણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે રાજ્યની રાજનીતિમાં નવા પ્રયોગ તરીકે જોવામાં આવી રહ્યું છે,
ચેન્નાઈમાં યોજાયેલા ભવ્ય શપથગ્રહણ સમારોહ દરમિયાન વિજય સાથે નવ મંત્રીઓએ પણ શપથ લીધા હતા. મંત્રીમંડળમાં વિવિધ સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રોમાંથી આવેલા ચહેરાઓને સ્થાન મળ્યું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે વિજયે માત્ર પરંપરાગત રાજકારણીઓ પર આધાર રાખવાને બદલે પ્રોફેશનલ અને નવી પેઢીના નેતાઓને આગળ લાવવાનો પ્રયાસ કર્યો છે. જો કે નવી કેબિનેટમાં સૌથી ચર્ચિત નામોમાંથી એક “બુસી” આનંદનું છે. આનંદને વિજયના સૌથી નજીકના સાથે જ સહયોગી અને પાર્ટીના મુખ્ય વ્યૂહકાર તરીકે ઓળખવામાં આવે છે. તેઓ લાંબા સમયથી વિજય સાથે જોડાયેલા રહ્યા છે અને પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. રાજકીય અનુભવ, સંગઠન ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેમને કેબિનેટમાં મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે.
કેબિનેટમાં આર. આધારવ અર્જુનાનું નામ પણ ખાસ ધ્યાન ખેંચી રહ્યું છે. બિઝનેસમેન અને ભૂતપૂર્વ બાસ્કેટબોલ ખેલાડી રહેલા અર્જુના ટીવીકેની ચૂંટણી વ્યૂહરચનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ અગાઉ અન્ય રાજકીય પક્ષ સાથે જોડાયેલા હતા, પરંતુ બાદમાં વિજયની પાર્ટીમાં સામેલ થયા હતા. યુવા નેતૃત્વ અને આધુનિક રાજકીય વિચારોના પ્રતિનિધિ તરીકે તેમને જોવામાં આવે છે. વિજયની કેબિનેટમાં મહિલાઓને પણ મહત્વપૂર્ણ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. સૌથી યુવા ચહેરા તરીકે એસ. કીર્તનાનું નામ સામે આવ્યું છે. માત્ર ૨૯ વર્ષની ઉંમરે તેઓ સિવાકાસી વિસ્તારથી વિધાનસભ્ય બની ઇતિહાસ રચ્યો હતો. ખાસ વાત એ છે કે તેઓ આ વિસ્તારની પ્રથમ મહિલા ધારાસભ્ય બની છે. કીર્તનાની સરળ ભાષા, યુવાનો સાથે જોડાવાની ક્ષમતા અને જાહેર જીવનમાં સક્રિયતા તેમને ઝડપથી લોકપ્રિય બનાવી રહી છે.
નવી સરકારમાં કેટલાક ડોક્ટર અને કાનૂની ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો પણ સમાવેશ થયો છે. વિજયે ચૂંટણી દરમિયાન સ્વચ્છ શાસન, પારદર્શિતા અને પ્રોફેશનલ અભિગમની વાત કરી હતી. હવે તેમની કેબિનેટમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોને સ્થાન આપીને તે દિશામાં પગલું ભરાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પૂર્વ બ્યુરોક્રેટ્સ અને પ્રશાસનિક અનુભવ ધરાવતા ચહેરાઓને પણ સરકારમાં સ્થાન મળતાં વહીવટી કાર્યક્ષમતાને મજબૂત બનાવવાનો પ્રયાસ દેખાઈ રહ્યો છે.
રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે વિજયની સરકાર પર યુવાનોની મોટી અપેક્ષાઓ છે. ચૂંટણી દરમિયાન ટીવીકેએ રોજગાર, શિક્ષણ, મહિલા સુરક્ષા, ડ્રગ્સ વિરોધી અભિયાન અને પારદર્શક શાસન જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપી હતી. શપથ લીધા બાદ વિજયે પણ સરકાર લોકો માટે કામ કરશે અને નવી રાજકીય સંસ્કૃતિ લાવશે એવી ખાતરી આપી હતી. તમિલનાડુમાં દાયકાઓથી ડીએમકે અને એઆઈએડીએમકે જેવી પરંપરાગત પાર્ટીઓનું પ્રભુત્વ રહ્યું છે. પરંતુ વિજયની પાર્ટી ટીવીકેએ પ્રથમ જ ચૂંટણીમાં ૧૦૮ બેઠકો જીતીને રાજ્યની રાજનીતિમાં મોટો બદલાવ લાવ્યો છે. કોંગ્રેસ, સિપીઆઈ, સિપીએમ અને અન્ય પક્ષોના સમર્થનથી વિજયે સરકાર રચી હતી.
નવી કેબિનેટમાં યુવા અને અનુભવી ચહેરાઓનું મિશ્રણ જોતા હવે લોકોની નજર એ પર છે કે “ટીમ વિજય” ચૂંટણી દરમિયાન કરાયેલા વચનોને કેટલા અસરકારક રીતે અમલમાં મૂકે છે. ફિલ્મી લોકપ્રિયતાને રાજકીય સફળતામાં ફેરવનાર વિજય હવે શાસન ક્ષેત્રમાં પોતાનું નેતૃત્વ સાબિત કરવા માટે તૈયાર જોવા મળી રહ્યા છે.