વાહન ચાલકોને મુશ્કેલી ન પડે ટ્રાફિકના ડાયવર્ઝન અપાયા, નો-પાર્કિંગ રોડની બંને બાજુ 100 મીટર સુધી વાહન પાર્કિંગ પર પ્રતિબંધ
વડોદરા, તા. 9
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ વડોદરા જિલ્લાના અણખોલ ગામ ખાતે નવનિર્મિત સરદારધામના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે 6થી 7:15 દરમિયાન હરણી ગદા સર્કલથી હરણી એરપોર્ટ સુધી રોડ-શો યોજાનાર હોવાથી શહેર પોલીસ દ્વારા ખાસ ટ્રાફિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારે જાહેરનામું પ્રસિદ્ધ કરી ટ્રાફિક વ્યવસ્થા, નો-પાર્કિંગ ઝોન અને વૈકલ્પિક માર્ગોની જાહેરાત કરી છે. 11 મેના રોજ બપોરે 4 વાગ્યાથી રોડ-શો પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.શહેરના આ વિસ્તારોમાં રહેશે “નો-પાર્કિંગ ઝોન”રોડની બંને બાજુ 100 મીટર સુધી વાહન પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે.
11 મેના રોજ સાંજે 4 વાગ્યાથી ગોલ્ડન બ્રિજ નીચેથી ગદા સર્કલ, મોતીભાઈ પટેલ સર્કલ થઈ એરપોર્ટ સર્કલ સુધીના માર્ગ પર રોડની બંને બાજુ 100 મીટર વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણ નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
ટ્રાફિક ડાયવર્ઝન અને વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા
– ગોલ્ડન બ્રિજ તરફ પ્રવેશ બંધ
ગોલ્ડન બ્રિજ નીચેથી શહેરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.વૈકલ્પિક માર્ગ તરીકે દેણા બ્રિજ અને દમાડી બ્રિજનો ઉપયોગ કરી શકાશે.
– હરણી મોટનાથ મહાદેવથી ગદા સર્કલ તરફ પ્રતિબંધ
હરણી મોટનાથ મહાદેવ ચાર રસ્તાથી સેફ્ટોન પ્લાઝા થઈ ગોલ્ડન બ્રિજ અને ગદા સર્કલ તરફ જવા પર પ્રતિબંધ રહેશે.વૈકલ્પિક રીતે દેણા ચેકપોસ્ટ તથા ડમરૂ સર્કલ થઈ સમા લિંક રોડ તરફ જઈ શકાશે.
– ડમરૂ સર્કલથી હરણી તરફનો માર્ગ બંધ
ડમરૂ સર્કલથી ગદા સર્કલ અને હરણી થઈ મુક્તિધામ ત્રણ રસ્તા તરફ વાહનો જઈ શકશે નહીં.વૈકલ્પિક રીતે સમા લિંક રોડ અને દેણા ચેકપોસ્ટ તરફ ડાયવર્ઝન આપવામાં આવશે.
-ઉર્મિ બ્રિજથી મોતીભાઈ પટેલ સર્કલ તરફ પ્રતિબંધ
ઉર્મિ બ્રિજ ત્રણ રસ્તાથી મેટ્રો હોસ્પિટલ થઈ મોતીભાઈ પટેલ સર્કલ તરફ વાહન વ્યવહાર બંધ રહેશે.વૈકલ્પિક માર્ગ તરીકે એબેકસ સર્કલ અને અમિતનગર બ્રિજનો ઉપયોગ કરી શકાશે.
– એરપોર્ટ સર્કલથી મોતીભાઈ પટેલ સર્કલ તરફ વાહન પ્રવેશ બંધ
એરપોર્ટ સર્કલથી હરણી એરપોર્ટ થઈ મોતીભાઈ પટેલ સર્કલ તરફ વાહનો જઈ શકશે નહીં. વૈકલ્પિક માર્ગ તરીકે અમિતનગર બ્રિજ, સંગમ ચાર રસ્તા અને ખોડિયારનગર ચાર રસ્તા તરફ ડાયવર્ઝન આપવામાં આવશે.
– આ વાહનોને રહેશે જાહેરનામામાંથી મુક્તિ
ઇમરજન્સી સર્વિસમાં જોડાયેલા એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ બંદોબસ્તના વાહનો તેમજ એરપોર્ટની ફ્લાઇટ ટિકિટ દર્શાવતા મુસાફરોના વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવશે. ઉપરાંત કાર્યક્રમમાં જોડાયેલા વાહનોને પણ પ્રવેશ આપવામાં આવશે.