Kalol

ચેક રીટર્ન કેસમાં વળાંક : કાયદેસરનું લ્હેણું સાબિત ન થતા આરોપી નિર્દોષ જાહેર

₹1 લાખની પ્રોસેસ ફી મામલે દાખલ થઈ હતી ચેક રીટર્ન ફરિયાદ

પુરાવાના અભાવે કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો
કાલોલ: વડોદરાના સંજયપાર્ક વિસ્તારમાં રહેતા અને પોર GIDCમાં શ્રી સાંઈ એગ્રો ઓર્ગેનિક નામે ખાતર બનાવવાનો ધંધો કરતા રાજેન્દ્ર ગણપતરાવ સુર્વેએ અમદાવાદના અમરાઈવાડીમાં રહેતા ભાવેશભાઈ ગૌડ વિરુદ્ધ ચેક રીટર્નની ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ મુજબ, આરોપી મોબાઈલ એસેસરી અને ફાઇનાન્સનો ધંધો કરતો હોવાનું મિત્રોના માધ્યમથી જાણવા મળ્યું હતું.
કોરોના દરમિયાન ધંધામાં મંદી આવતા ફરિયાદીને કંપની માટે ₹3 કરોડની લોનની જરૂર પડતાં આરોપીએ લોન પ્રક્રિયા માટે ₹1 લાખ પ્રોસેસ ફી માગી હતી અને લોન પાસ ન થાય તો રકમ પરત આપવાનો વિશ્વાસ આપ્યો હતો. બાદમાં લોન પ્રક્રિયા આગળ ન વધતા ફરિયાદીએ ઉઘરાણી કરતા આરોપીએ તા. 30/03/2022નો ચેક આપ્યો હતો, જે “Payment Stop by Drawer”ના કારણસર રિટર્ન થયો હતો.
મામલો વડોદરાની બીજા એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં આરોપી તરફે એડવોકેટ એન. એ. ગાંધી હાજર રહ્યા હતા. ઊલટ તપાસ દરમિયાન ફરિયાદી ₹1 લાખ ક્યારે અને કઈ તારીખે આપ્યા તેની ચોક્કસ વિગતો આપી શક્યા નહોતા. સાથે જ રકમ આપ્યાની કોઈ લેખિત નોંધ, હિસાબ કે દસ્તાવેજી પુરાવો પણ રજૂ કરી શક્યા નહોતા.
આ ઉપરાંત આરોપી ફાઇનાન્સનો વ્યવસાય કરતો હોવાનો કોઈ પુરાવો રજૂ થયો નહોતો તેમજ ઓળખાણ કરાવનાર સાક્ષીઓને પણ તપાસવામાં આવ્યા નહોતા. ફરિયાદીએ આરોપીને ટુકડે-ટુકડે રકમ આપ્યાનું સ્વીકાર્યું હતું, પરંતુ તેના આધારરૂપ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
સમગ્ર દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી વડોદરાના બીજા એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુ. એ. એસ. શેખે નોંધ્યું હતું કે ચેક કાયદેસરનાં લ્હેણાં પેટે આપવામાં આવ્યો હોવાનો પૂરતો પુરાવો રેકોર્ડ પર નથી. તેથી આરોપી ભાવેશભાઈ ગૌડને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top