India

દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં ફરી બદલાશે વાતાવરણ

IMDએ આંધીઅને વરસાદની જાહેર કરી ચેતવણી

દેશના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ઉકળાટ વચ્ચે હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે. હવે ફરી એકવાર દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારોમાં વાતાવરણ બદલાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી દિવસોમાં આંધીઅને વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ પડી શકે છે. કેટલીક જગ્યાએ પવનની ઝડપ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જેના કારણે ગરમીમાંથી થોડોક રાહત મળવાની શક્યતા છે.

IMDએ જણાવ્યું છે કે 10 મે બાદ એક નવું પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) સક્રિય થવાનું છે, જેના કારણે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વાતાવરણ ફરી અસ્થિર બની શકે છે. ખાસ કરીને 11 થી 14 મે દરમિયાન દિલ્હી-એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે દિલ્હીમાં હાલ દિવસ દરમિયાન તાપમાન સતત વધી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં પારો 40 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે. સાથે જ હવામાન વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે.

રાજસ્થાનના પશ્ચિમ વિસ્તારોમાં હાલ પણ હીટવેવ જેવી સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. IMDએ પશ્ચિમ રાજસ્થાન માટે ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે પૂર્વ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ આગામી થોડા દિવસો સુધી વરસાદ, આંધીઅને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.જયારે કેટલાક વિસ્તારોમાં ઓલાવૃષ્ટિની પણ શક્યતા છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને અનાવશ્યક રીતે ખુલ્લા વિસ્તારમાં ન જવા સૂચના આપી છે.

હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડ જેવા પર્વતીય રાજ્યોમાં પણ વરસાદ અને બરફવર્ષાની શક્યતા છે. આ વિસ્તારોમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને ખાસ સાવચેતી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.મોસમમાં વારંવાર થતા ફેરફારોને કારણે લોકોના દૈનિક જીવન પર અસર પડી રહી છે. એક તરફ તીવ્ર ગરમી તો બીજી તરફ અચાનક વરસાદ અને આંધીઓના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. નિષ્ણાતોના મતે આ બદલાવ પાછળ નું કારણ પશ્ચિમી વિક્ષેપ અને વાતાવરણમાં થતા દબાણના ફેરફારો જવાબદાર છે.

હવામાન વિભાગે ખેડૂતોને પણ ખાસ ચેતવણી આપી છે. પાકને નુકસાન ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા તેમજ વીજળી અને તેજ પવન દરમિયાન ખુલ્લા ખેતરોમાં કામ ન કરવા સલાહ આપવામાં આવી છે. આગામી દિવસોમાં દેશના અનેક ભાગોમાં વાતાવરણ અસ્થિર રહેવાની શક્યતા વચ્ચે લોકો IMDની સત્તાવાર સૂચનાઓ પર નજર રાખે તેવી અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top