Vadodara

સખી’ સેન્ટર કે સેટિંગ સેન્ટર?

નડિયાદમાં કાઉન્સિલિંગના નામે ધર્માંતરણ અને યુવતીને વિધર્મી સાથે પરણાવવાના આક્ષેપ
નડિયાદ, તા.8
નડિયાદના સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. અમદાવાદમાં નોકરી કરતી નડિયાદની એક હિન્દુ યુવતીને અન્ય ધર્મના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાતા પરિવાર દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પરિવારના વિરોધ બાદ યુવતીએ 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કરતા તેને નડિયાદ સ્થિત સખી વન સ્ટોપ સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. જોકે હવે આ સમગ્ર મામલે સેન્ટર સામે કાઉન્સિલિંગના નામે બ્રેઇનવોશ, ધર્માંતરણ અને મેરેજ બ્યુરો જેવી કામગીરી ચલાવાતા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.
માહિતી મુજબ યુવતી અમદાવાદમાં નોકરી દરમિયાન વલેટવા ગામના વિધર્મી યુવકના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા યુવતીએ પરિવારને જાણ કરી હતી. યુવક અન્ય ધર્મનો હોવાથી પરિવારે આ સંબંધનો વિરોધ કર્યો હતો. પરિવાર સાથેના મતભેદો વધતા યુવતીએ 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો, જેના પગલે ટીમે યુવતીને નડિયાદના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય માટે ખસેડી હતી.
આ ઘટનાના પગલે સેન્ટરની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. યુવતીના પિતાનો આક્ષેપ છે કે સેન્ટરના કર્મચારીઓએ તેમને ફોન કરીને યુવક ખૂબ સારો હોવાનું કહી બંને પરિવાર વચ્ચે બેઠક કરાવવાની વાત કરી હતી. બાદમાં પિતાને સેન્ટર પર બોલાવી કોરા કાગળ પર સહીઓ કરાવી લેવામાં આવતા તેમને શંકા ગઈ હતી. બીજા દિવસે દીકરીને ઘરે લઈ જવા કહેવામાં આવ્યું હતું, પરંતુ પરિવાર પહોંચતા યુવતીએ ઘરે આવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
પરિવારના વકીલ કેતન પટેલે પણ સખી સેન્ટરની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર સેન્ટર કાઉન્સિલિંગના બહાને યુવતીઓનું બ્રેઇનવોશ કરી રહ્યું છે અને અન્ય ધર્મ અપનાવવા માટે માનસિક દબાણ કરવામાં આવતું હોવાની શક્યતા છે. તેમણે સેન્ટરને “મેરેજ બ્યુરો”ની જેમ કાર્ય કરતું હોવાનું કહી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
બીજી તરફ મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓએ બચાવ કરતા જણાવ્યું છે કે યુવતી પુખ્ત વયની છે અને તેનો નિર્ણય તેની ઈચ્છા મુજબ લેવાશે. યુવતી પરિવાર સાથે જવા તૈયાર ન હોય તો તેને નારી સંરક્ષણ ગૃહમાં ખસેડવાની કાર્યવાહી કરવામાં આવશે.
હાલ સમગ્ર મુદ્દો નડિયાદ સહિત સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે અને હિન્દુ સંગઠનો દ્વારા યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

Most Popular

To Top