ધાર્મિક પરંપરાઓ અને બંધારણીય અધિકારો વચ્ચે ચાલી રહેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે જણાવ્યું કે જો દેશની દરેક વ્યક્તિ ધર્મના દરેક રીત-રિવાજોને બંધારણીય અદાલતોમાં પડકારવા લાગશે, તો કોર્ટોમાં અરજીઓનો ઢગલો થઈ જશે અને તેની સીધી અસર દેશની ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતા પર પડશે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતની ઓળખ તેની વિવિધતા અને પરંપરાઓમાં છે, તેથી ધાર્મિક બાબતોમાં ન્યાયિક દખલગીરી ખૂબ જ સાવચેતીથી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટ હાલમાં કલમ 25 અને 26 હેઠળ મળતા ધાર્મિક અધિકારોની વ્યાખ્યા અને મર્યાદા અંગે મહત્વપૂર્ણ સુનાવણી કરી રહી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતના અધ્યક્ષપદ હેઠળ ચાલી રહેલી આ સુનાવણીમાં કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિર કેસ સાથે દાઉદી વ્હોરા સમુદાયમાં પ્રચલિત FGM એટલે કે મહિલા જનનાંગ વિકૃતિની પ્રથાને પડકારતી અરજીઓ પણ સાંકળવામાં આવી છે. સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ નાગરત્નાએ મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા જણાવ્યું કે જો દરેક ધાર્મિક રિવાજને કોર્ટમાં પડકારવામાં આવશે, તો મંદિર કે મસ્જિદ ક્યારે ખોલવી કે બંધ કરવી જેવા નાના મુદ્દાઓ પણ કોર્ટ સુધી પહોંચશે. તેમણે કહ્યું કે ભારતની સંસ્કૃતિ તેની વૈવિધ્યસભર પરંપરાઓમાં વસે છે અને જો દરેક બાબતમાં અદાલતો દખલ કરશે તો સામાજિક માળખું નબળું પડી શકે છે.
બીજી તરફ FGM પ્રથાનો વિરોધ કરનારાઓએ કોર્ટ સમક્ષ ગંભીર દલીલો રજૂ કરી હતી. અરજદારો તરફથી વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લૂથરાએ જણાવ્યું કે આ પ્રથા નાની ઉંમરની બાળકી પર કરવામાં આવે છે, જેના કારણે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર કાયમી અસર પડે છે. તેમણે કહ્યું કે ઘણી બાળકી અને તેમના પરિવારો સામાજિક દબાણ તથા બહિષ્કારના ડરથી આ પ્રથા અનુસરવા મજબૂર બને છે. અરજદારોનું કહેવું છે કે આવી પ્રથાને આવશ્યક ધાર્મિક પરંપરા કહી શકાય નહીં, કારણ કે તે મૂળભૂત માનવાધિકારોનું ઉલ્લંઘન કરે છે. હવે સુપ્રીમ કોર્ટ સામે સૌથી મોટો પડકાર એ છે કે ધાર્મિક સ્વતંત્રતા અને વ્યક્તિગત અધિકારો વચ્ચે કેવી રીતે સંતુલન જાળવવું. એક તરફ બંધારણ દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન કરવાનો અધિકાર આપે છે, જ્યારે બીજી તરફ કોઈપણ પરંપરા માનવાધિકારોને નુકસાન પહોંચાડે તો તેને કાયદાકીય રીતે પડકારવાનો રસ્તો પણ ખુલ્લો છે. આ કેસનો ચુકાદો ભવિષ્યમાં ધાર્મિક પરંપરાઓ અને ન્યાયિક દખલગીરી સંબંધિત અનેક મામલાઓ માટે માર્ગદર્શક સાબિત થઈ શકે છે.