National

જો..જો..વાહન પર જાતિસૂચક શબ્દ લખ્યા તો થશે દંડ, શું બિહાર બાદ ગુજરાતમાં પણ આવશે આવો નિયમ?

બિહારમાં વાહનો પર લખાતા જાતિસૂચક શબ્દો અને સ્ટીકરો સામે હવે સરકાર કડક બની છે. પરિવહન વિભાગે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે કાર, બાઈક કે અન્ય કોઈપણ વાહન પર જાતિ દર્શાવતા શબ્દો લખેલા હશે તો વાહન માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે. નિયમનો ભંગ કરનારને રૂ. 2000 સુધીનો દંડ ફટકારવામાં આવશે. સામાન્ય રીતે વાહન પર ફક્ત રજીસ્ટ્રેશન નંબર પ્લેટ અને કંપનીનું નામ જ માન્ય હોય છે. છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો વાહનો પર પોતાની જાતિ, સમુદાય અથવા અન્ય ઓળખ દર્શાવતા શબ્દો મોટા પ્રમાણમાં લખાવતા જોવા મળે છે. હવે બિહાર સરકારે આવા ટ્રેન્ડ સામે સખત વલણ અપનાવ્યું છે.

પરિવહન વિભાગે તમામ વાહન માલિકોને એક મહિનાનો સમય આપ્યો છે. આ સમયગાળા દરમિયાન લોકોને પોતાના વાહન પરથી જાતિસૂચક શબ્દો, સ્ટીકરો અથવા અન્ય આવા લખાણ દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે. સમય મર્યાદા પૂર્ણ થયા બાદ રાજ્યભરમાં વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરાશે. વિભાગના જણાવ્યા અનુસાર, મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 177 અને 179 હેઠળ નિયમ તોડનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે રસ્તા પર શિસ્ત અને સમાનતાનું વાતાવરણ જળવાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિયમને અમલમાં મૂકવા માટે બિહાર સરકાર હવે ટેક્નોલોજીની મદદ પણ લઈ રહી છે. રાજ્યમાં AI કેમેરાથી સજ્જ ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) સ્થાપિત કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. રાજ્યના લગભગ 700 સ્થળોએ આ કેમેરા લગાવવામાં આવશે. આ AI કેમેરા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સાથે વાહનો પર લખાયેલા વાંધાજનક અથવા જાતિસૂચક શબ્દોની પણ ઓળખ કરી શકશે. ત્યારબાદ સંબંધિત વાહન માલિક સામે દંડાત્મક કાર્યવાહી થશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં કેમેરા લગાવવાના સ્થળોની પસંદગી શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ બાદ ટ્રાફિક મોનિટરિંગ વધુ આધુનિક બનશે અને નિયમોનું પાલન કરાવવું સરળ બનશે.

હાલ સોશિયલ મીડિયા પર પણ આ નિર્ણયની ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો આ પગલાનું સ્વાગત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે રસ્તાઓ પર અનાવશ્યક જાતિ પ્રદર્શન બંધ થવું જોઈએ. જ્યારે કેટલાક લોકો તેને વ્યક્તિગત અભિવ્યક્તિ સાથે જોડીને ચર્ચા કરી રહ્યા છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ હવે આવી જ કાર્યવાહી થશે કે નહીં, તે અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે હાલ ગુજરાત સરકાર તરફથી આવા કોઈ નિયમ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Most Popular

To Top