Vadodara

‘વન ડે વન રોડ’ અભિયાન અંતર્ગત દિવાળીપુરા રોડની કાયાપલટ; કોર્પોરેશન દ્વારા મેગા સફાઈ ઝુંબેશ

અત્યાધુનિક મશીનરી સાથે સફાઈ કર્મીઓ મેદાને: રસ્તાનું બ્રશિંગ, દબાણોનો સફાયો અને વૃક્ષોના ટ્રીમિંગ સાથે આખા માર્ગને ચકાચક કરાયો

વડોદરા: શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવવાના ઉમદા હેતુ સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા ‘વન ડે વન રોડ’ અભિયાન અંતર્ગત શુક્રવારે પશ્ચિમ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નંબર 11 માં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ દિવાળીપુરા રોડને સંપૂર્ણપણે સાફ-સુથરો કરવા માટે પાલિકાના વિવિધ વિભાગોએ સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યું હતું.

આ સફાઈ ઝુંબેશ દરમિયાન દિવાળીપુરા રોડ પર રસ્તાઓની સફાઈની સાથે-સાથે ડિવાઈડરની મરામત અને સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત, રસ્તાઓ પર જમા થયેલી ધૂળ દૂર કરવા માટે બ્રશિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગાર્ડન વિભાગ દ્વારા રસ્તાની આજુબાજુ અને ડિવાઈડર પર ઉગી નીકળેલા વધારાના ઘાસ તેમજ વૃક્ષોના ટ્રીમિંગ અને કટિંગની કામગીરી પણ વેગવંતી બનાવવામાં આવી હતી, જેથી વાહનચાલકોને અવરોધ ન નડે અને રસ્તો રળિયામણો દેખાય.

​નોંધનીય છે કે, આ કામગીરી દરમિયાન રસ્તા પર નડતરરૂપ દબાણો હટાવવાની પણ કાર્યવાહી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ સફાઈ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક કામગીરીમાં જોતરાયા હતા. આ સફાઈ અભિયાનમાં વડોદરા મહાનગરપાલિકા પાસે ઉપલબ્ધ અત્યાધુનિક મશીનરીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી ટૂંકા સમયમાં મોટા વિસ્તારને સ્વચ્છ કરી શકાયો હતો. ‘વન ડે વન રોડ’ અભિયાન દ્વારા શહેરના મુખ્ય માર્ગોને એક જ દિવસમાં સંપૂર્ણપણે કાયાપલટ કરવાનો પાલિકાનો આ પ્રયાસ સ્થાનિક રહીશોમાં પણ આવકાર પામ્યો છે.

Most Popular

To Top