Kalol

કાલોલ નગરપાલિકામાં હલ્લાબોલ : પ્રમુખ-સીઓ ગેરહાજર રહેતા રહીશોનો આક્રોશ ફાટ્યો, ચેમ્બરોમાં તોડફોડ

એક વર્ષથી પાણી, સફાઈ અને ડ્રેનેજના પ્રશ્નો ઉકેલાયા નહીં

આવેદન આપવા પહોંચેલા રહીશો ઉગ્ર બન્યા, પ્રમુખ-સીઓની ચેમ્બરમાં તોડફોડ

કાલોલ : કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર-4 હેઠળ આવતા ભાગ્યોદય સોસાયટી, જલારામનગર, મઠ ફળિયું અને વૃંદાવનનગર વિસ્તારમાં સફાઈ, પીવાનું પાણી અને વરસાદી પાણીના નિકાલ જેવી મૂળભૂત સમસ્યાઓને લઈને સ્થાનિક રહીશો અને કાઉન્સિલરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી વારંવાર રજૂઆત છતાં પાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

રહીશોએ આક્ષેપ કર્યો હતો કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ગત ચોમાસામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને હાલ સામાન્ય માવઠામાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે. સાથે જ રોડના અધૂરા કામો અને અનિયમિત પાણી પુરવઠાથી લોકો પરેશાન બની ગયા છે.

સ્થાનિક રહીશો અને અપક્ષ કાઉન્સિલરો સમસ્યાઓ અંગે આવેદનપત્ર આપવા નગરપાલિકા પહોંચ્યા હતા, પરંતુ પાલિકા પ્રમુખ હાજર ન હતા તેમજ ચીફ ઓફિસર ત્રણ દિવસની રજા પર હોવાનું જાણવા મળતા લોકોમાં વધુ રોષ ફેલાયો હતો. “જ્યારે પણ રજૂઆત કરવા આવીએ છીએ ત્યારે કોઈ જવાબદાર અધિકારી હાજર હોતા નથી” તેવી નારાજગી વ્યક્ત કરી ઉગ્ર બનેલા ટોળાએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

મીડિયા સાથે વાતચીતમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેઓ જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત કરશે અને જો પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન અને પ્રતિક ઉપવાસ જેવા કાર્યક્રમો પણ હાથ ધરાશે.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top