World

10% ગ્લોબલ ટેરિફ કોર્ટે રદ કરતા ટ્રમ્પને 5 દિવસમાં ટેક્સ રિફંડનો આદેશ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ ઇરાન સાથેના ટેન્શનથી પરેશાન છે અને બીજી બાજું હવે તેમને મોટો કાયદાકીય ફટકો પડ્યો છે. અમેરિકાની ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા 10 ટકા ગ્લોબલ ટેરિફને ગેરબંધારણીય અને ગેરકાનૂની જાહેર કર્યા છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે દાયકાઓ જૂના વેપાર કાયદાનો આ રીતે ઉપયોગ કરીને વ્યાપક ટેક્સ લાદી શકાય નહીં. આ ચુકાદા બાદ ટ્રમ્પની વેપાર નીતિ અને તેમની આર્થિક રણનીતિ પર ફરી સવાલો ઊભા થયા છે. ખાસ કરીને એવા સમયે જ્યારે અમેરિકા વૈશ્વિક રાજકીય અને આર્થિક દબાણનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ નિર્ણય ટ્રમ્પ માટે મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે.

ફેબ્રુઆરી મહિનામાં ટ્રમ્પ પ્રશાસને ‘ટ્રેડ એક્ટ 1974’ ની કલમ 122 હેઠળ આ 10 ટકા ગ્લોબલ ટેરિફ લાગુ કર્યા હતા. આ કાયદા મુજબ માત્ર ખાસ કટોકટી જેવી કે અમેરિકામાં પેમેન્ટ ડેફિસિટ એટલે કે ચુકવણી સંતુલનમાં ગંભીર ખાધ સર્જાય અથવા ડોલરની કિંમતમાં ભારે ઘટાડો થાય ત્યારે જ મર્યાદિત સમય માટે વધારાનો ટેક્સ લગાવી શકાય છે. પરંતુ ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે 2-1 ની બહુમતીથી આપેલા ચુકાદામાં કહ્યું કે અમેરિકા હાલમાં આવી કોઈ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું નથી. તેથી પ્રમુખે આ કાયદાનો ખોટો ઉપયોગ કર્યો છે. કોર્ટે કડક ટિપ્પણી કરતાં જણાવ્યું કે વેપાર નીતિ બનાવવાના નામે કાયદાની મર્યાદાઓનો ભંગ કરી શકાય નહીં. આ કેસમાં સૌથી મહત્વની બાબત એ રહી કે કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે જેમણે આ ટેરિફને કોર્ટમાં પડકાર્યો હતો તેમને આગામી 5 દિવસમાં વસૂલવામાં આવેલી રકમ પરત કરવામાં આવે. આ નિર્ણયને નાના ઉદ્યોગકારો અને આયાતકારો માટે મોટી રાહત માનવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા ના 24 રાજ્યો અને અનેક નાના-મધ્યમ ઉદ્યોગોએ આ ટેરિફ સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમનો દાવો હતો કે વધારાના ટેક્સના કારણે આયાત મોંઘી થઈ રહી હતી અને સ્થાનિક વેપાર પર નકારાત્મક અસર પડી રહી હતી. ઘણા ઉદ્યોગકારોએ કહ્યું હતું કે આ ટેરિફના કારણે તેમના ખર્ચમાં ભારે વધારો થયો હતો. જોકે, સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઈલ ક્ષેત્ર પર લાગુ કેટલાક ટેરિફ હાલ યથાવત્ રહેશે. કારણ કે તે અલગ કાયદાકીય જોગવાઈઓ હેઠળ લાગુ કરાયા હતા અને હાલના ચુકાદાની સીધી અસર તેમના પર થતી નથી.

ટ્રમ્પ પ્રશાસને પોતાના બચાવમાં દલીલ કરી હતી કે અમેરિકાને દર વર્ષે લગભગ 1.2 ટ્રિલિયન ડોલરની વેપાર ખાધનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખાધ ઘટાડવા અને સ્થાનિક ઉદ્યોગોને સુરક્ષા આપવા માટે ટેરિફ જરૂરી હતા. પરંતુ કોર્ટ આ દલીલથી સહમત થઈ નહોતી. હવે અમેરિકન ન્યાય વિભાગ આ ચુકાદાને ‘યુએસ કોર્ટ ઓફ અપીલ્સ’માં પડકારવાની તૈયારીમાં હોવાનું માનવામાં આવે છે. અગાઉ પણ ટેરિફ સંબંધિત કેટલાક કેસોમાં અપીલ કોર્ટે ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. તેથી આગામી કાનૂની લડાઈ પણ ટ્રમ્પ માટે મુશ્કેલ બની શકે છે. મિડલ ઇસ્ટમાં વધી રહેલી અનિશ્ચિતતાની વચ્ચે અમેરિકાની આર્થિક નીતિઓ પર પણ દબાણ વધી રહ્યું છે. બજાર નિષ્ણાતો માને છે કે આવી પરિસ્થિતિમાં વેપાર નીતિમાં અસ્થિરતા વૈશ્વિક બજારો પર અસર કરી શકે છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ચુકાદો ટ્રમ્પની આર્થિક નીતિઓની વિશ્વસનીયતા પર અસર કરી શકે છે. ખાસ કરીને આગામી રાજકીય લડાઈઓ અને ચૂંટણીના માહોલમાં આ નિર્ણય તેમના વિરોધીઓ માટે મોટો મુદ્દો બની શકે છે.

Most Popular

To Top