AI ટેકનોલોજી અને હ્યુમન ઈન્ટેલિજન્સથી 18 વર્ષથી લાપતા લોકો સહિત 1000થી વધુ લોકોનું પરિવારો સાથે મિલન
આજના આધુનિક યુગમાં જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ ગુનાખોરી ડામવા માટે થતો હોય છે, ત્યારે સુરત પોલીસે આ જ ટેકનોલોજીનો ઉપયોગ માનવીય સંવેદના સાથે કરીને એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શરૂ કરવામાં આવેલું ‘મિશન મિલાપ’ અભિયાન આજે અનેક પરિવારો માટે આશાનું કિરણ બન્યું છે. વર્ષ 2007થી ફાઈલોમાં દબાયેલા કેસોને ઉકેલીને સુરત પોલીસે માત્ર ચાર મહિનામાં 1000થી વધુ ગુમ થયેલા વ્યક્તિઓને તેમના સ્વજનો સાથે મેળાપ કરાવ્યો છે.
ઓપરેશન મુસ્કાનથી પ્રેરિત નવી પહેલ
ગુજરાતના ડીજીપી ડૉ. કે.એલ. રાવ દ્વારા શરૂ કરાયેલા ‘ઓપરેશન મુસ્કાન’ માંથી પ્રેરણા મેળવીને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ‘મિશન મિલાપ’ની કમાન સંભાળી હતી. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષોથી વિખૂટા પડેલા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને શોધી કાઢી તેમને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાનો હતો. પોલીસ કમિશનર પોતે દરરોજ મિશનની પ્રગતિની સમીક્ષા કરતા હતા, જેના કારણે 18-18 વર્ષ જૂના પડતર કેસોમાં પણ સફળતા મળી છે.
ટીમ વર્ક અને ડેટાબેઝનું મહત્વ
આ ભગીરથ કાર્યની જવાબદારી અધિક પોલીસ કમિશનર ડૉ. કરનરાજ વાઘેલાને સોંપવામાં આવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ભાવેશ રોજીયા, મદદનીશ પોલીસ કમિશનર કે.એમ. જોસેફ અને મિસિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. શેરગીલની ટીમે રાત-દિવસ મહેનત કરી છે. ટીમે વર્ષ 2007થી અત્યાર સુધીના ગુમ થયેલા આશરે 4500 લોકોનો ડેટાબેઝ તૈયાર કર્યો હતો. મિસિંગ સેલની ટીમ દરરોજ 25 જેટલા પરિવારોનો સંપર્ક કરી નવી કડીઓ મેળવતી હતી.
વર્ષ 2024ના પ્રથમ ચાર મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો પોલીસે કુલ 696 વ્યક્તિઓને શોધી કાઢ્યા છે:
જાન્યુઆરી: 152 વ્યક્તિ
ફેબ્રુઆરી: 193 વ્યક્તિ
માર્ચ: 194 વ્યક્તિ
એપ્રિલ: 157 વ્યક્તિ
આ કુલ આંકડામાં 114 છોકરાઓ, 143 છોકરીઓ, 255 મહિલાઓ અને 184 પુરુષોનો સમાવેશ થાય છે.
AI અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ
ડૉ. કરનરાજ વાઘેલાએ જણાવ્યું કે આ સફળતા પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો મોટો ફાળો છે. ગુમ થયા વખતનો ચહેરો અને વર્ષો પછીના વર્તમાન દેખાવની સરખામણી કરવા માટે AI ટેકનોલોજી મદદરૂપ બની છે. આ ઉપરાંત, પોલીસે પેમેન્ટ ગેટવે, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને બાયોમેટ્રિક ડેટાની મદદથી ગુમ થયેલા લોકોના લોકેશન ટ્રેસ કર્યા હતા. સુરત પોલીસની ટીમોએ અન્ય રાજ્યોમાં જઈ, સ્થાનિક પોલીસ અને ગ્રામીણ પ્રતિનિધિઓની મદદ લઈને આ મિશનને સફળ બનાવ્યું છે.
આજે સુરત પોલીસ ગુમ થયેલા લોકોને શોધવામાં વડોદરા અને અમદાવાદ જેવા શહેરોની સરખામણીએ રાજ્યમાં મોખરે રહી છે. ‘મિશન મિલાપ’ માત્ર એક પોલીસ કામગીરી નથી, પરંતુ વિખૂટા પડેલા હજારો પરિવારોની આંખોમાં આવેલી હર્ષની લાગણી છે. સુરત પોલીસની આ કામગીરીને સમગ્ર રાજ્યમાં બિરદાવવામાં આવી રહી છે.