Gujarat

ગુજરાતમાં HPV રસીકરણ અભિયાનને મોટી સફળતા, 5 લાખથી વધુ દીકરીઓને મળ્યું સુરક્ષા કવચ

સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ માટે 90 ટકા લક્ષ્યાંક પૂર્ણ, 14 વર્ષની દીકરીઓને મફત રસી લેવા આરોગ્ય મંત્રીની અપીલ
ગાંધીનગર,
ગુજરાતમાં મહિલાઓમાં થતા સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલું HPV રસીકરણ અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ દીકરીઓને HPV રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના જણાવ્યા અનુસાર રાજ્યએ નિર્ધારિત લક્ષ્યાંકના અંદાજે 90 ટકા લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે.આ અભિયાનને ગુજરાતમાં નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો હોવાનું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રસીકરણ અભિયાન દરમિયાન ગંભીર આડઅસરનો એકપણ કિસ્સો નોંધાયો નથી, જે દર્શાવે છે કે HPV રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે.રાજ્યની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો ઉપરાંત CHC, PHC અને UPHC આરોગ્ય કેન્દ્રો પર 14 વર્ષની તમામ દીકરીઓ માટે આ રસી મફતમાં ઉપલબ્ધ કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રી પાનશેરીયાએ રાજ્યના માતા-પિતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, મે મહિનાના અંત સુધી ચાલનારા આ અભિયાનનો લાભ લેવાનો બાકી હોય તેવી 14 વર્ષની તમામ દીકરીઓને વિલંબ કર્યા વગર નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર પરથી HPV રસી અપાવવી જોઈએ.તેમણે સોશિયલ મીડિયા પર ફેલાતી વૈજ્ઞાનિક આધાર વગરની ભ્રામક અફવાઓથી દૂર રહેવા પણ અનુરોધ કર્યો હતો. દીકરીઓના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય માટે HPV રસીકરણ અભિયાનમાં સહભાગી થવા તેમણે તમામ વાલીઓને અપીલ કરી હતી.

Most Popular

To Top