Gujarat

20 મેના રોજ ગુજરાતભરની દવાની દુકાનો બંધ પાળશે

અમદાવાદ : ગેરકાયદે ઓનલાઇન દવાના વેચાણ સહિતની વિવિધ માંગણીઓને લઈ ઓલ ઈન્ડિયા એર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ દ્વારા દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના અનુસંધાને ગુજરાતમાં પણ 20 મેના રોજ દવાની દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવશે.

આ અંગે ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનના પ્રમુખ જશવંતભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલમાં ગેરકાયદે રીતે ઓનલાઇન દવાઓનું વેચાણ વધી રહ્યું છે, જેના કારણે દવા વ્યવસાય સાથે લોકોના આરોગ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના માધ્યમથી મૃત્યુ પામેલા ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરીને ગેરકાયદે રીતે દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગર્ભપાત માટેની દવાઓનું પણ મોટા પાયે ઓનલાઇન વેચાણ થઈ રહ્યું છે.

એસોસિએશને ડુપ્લિકેટ દવાઓ બનાવનાર અને વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી દેશભરના દવા વેપારીઓએ 20મી મેના રોજ એક દિવસ માટે દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતમાં અંદાજે 35 હજારથી વધુ દવા વેપારીઓ અને દુકાનદારો 20 મેના રોજ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શન કરશે. એસોસિએશનએ સરકાર દ્વારા ગેરકાયદે ઓનલાઇન દવા વેચાણ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવે તેવી મુખ્ય માંગ છે.

Most Popular

To Top