Gujarat

ગુજરાત બન્યું સેમિકન્ડક્ટર હબ : સાણંદમાં હોતાયી ઈલેક્ટ્રોનિક્સ કરશે ₹700 કરોડનું રોકાણ

માઈક્રોનની સપ્લાય ચેઈન પાર્ટનર કંપનીને OCA પત્ર એનાયત, રાજ્યમાં વધશે ટેકનોલોજી અને રોજગારી
ગાંધીનગર,
દેશને વૈશ્વિક સેમિકન્ડક્ટર પાવરહાઉસ બનાવવાના પીએમ નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા ગુજરાતે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સાણંદ GIDC ખાતે મલેશિયા સ્થિત અગ્રણી કંપની હોતાયી (Hotayi) ઈલેક્ટ્રોનિક્સ દ્વારા એડવાન્સ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવાની પ્રક્રિયાને ગતિ મળી છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે હોતાયી ઈલેક્ટ્રોનિક્સને ઓફર કમ એલોટમેન્ટ (OCA) પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સાણંદ-II GIDC ખાતે કંપનીને 5 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે.

હોતાયી ઈલેક્ટ્રોનિક્સ આગામી 10 વર્ષ દરમિયાન અંદાજે ₹700 કરોડનું રોકાણ કરશે. કંપની દ્વારા અહીં અત્યાધુનિક DRAM મેમરી મોડ્યુલ્સ, સોલિડ-સ્ટેટ ડ્રાઈવ્સ (SSD), સર્વર અને ડેટા સેન્ટર મેમરી મોડ્યુલ્સ ઉપરાંત ઓટોમોટિવ ઈલેક્ટ્રોનિક્સ જેવા કે LED લાઈટિંગ અને ઈન્ફોટેનમેન્ટ મોડ્યુલ્સનું ઉત્પાદન કરવામાં આવશે. નોંધનીય છે કે હોતાયી ઈલેક્ટ્રોનિક્સ વૈશ્વિક સેમિકન્ડક્ટર દિગ્ગજ કંપની માઈક્રોનની મુખ્ય સપ્લાય ચેઈન પાર્ટનર કંપની છે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં થઈ રહેલા આવા રોકાણોથી રાજ્યનું સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ વધુ મજબૂત બનશે. સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને AI આધારિત ઓટોમેશન ટેકનોલોજીના ઉપયોગથી સ્થાનિક સ્તરે ટેકનોલોજીકલ વિકાસને વેગ મળશે તેમજ મોટા પાયે રોજગારીની નવી તકો ઊભી થશે.તેમણે વધુમાં કહયું હતું કે ગુજરાત પોતાની શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને ઉદ્યોગ સાનુકૂળ નીતિઓને કારણે વૈશ્વિક ટેક કંપનીઓ માટે પ્રથમ પસંદગીનું કેન્દ્ર બની રહ્યું છે. હોતાયીનું આ રોકાણ ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને પણ નવી દિશા અને ગતિ આપનારું સાબિત થશે.

Most Popular

To Top