રાષ્ટ્રની એકતાનું સન્માન: કશ્મીરમાંથી 370 નાબૂદ કરી અખંડ ભારતનું સપનું સાકાર કરનાર વડાપ્રધાનનું પાટીદાર સમાજ કરશે શાહી સન્માન

વડોદરા: વડોદરાના આંગણે આયોજિત થઈ રહેલા ‘સરદારધામ-3’ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ના ભવ્ય મંચ પરથી રાષ્ટ્રના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક અનોખું અને ઐતિહાસિક સન્માન કરવામાં આવશે. પાટીદાર સમાજ દ્વારા વડાપ્રધાનને સંપૂર્ણ સોનામાંથી કંડારાયેલો ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’ આપી નવાજવામાં આવશે.
વડોદરા ખાતે ‘સરદારધામ-3’ ની વિગતો આપતા ભાજપના અગ્રણી ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના મસ્તક સમાન કશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરીને રાષ્ટ્રને એક અખંડ સ્વરૂપ આપ્યું છે. વડાપ્રધાનના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના વિઝનને કારણે આજે વૈશ્વિક સ્તરે ભારતનું નામ ગૌરવ સાથે લેવાય છે. આ રાષ્ટ્રીય યોગદાન અને ભારતને એકજૂટ કરવાના ભગીરથ કાર્યને બિરદાવવા પાટીદાર સમાજે આ સન્માનનો નિર્ણય લીધો છે.
વડાપ્રધાનને અર્પણ કરવામાં આવનાર આ ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’ સંપૂર્ણપણે શુદ્ધ સોનામાંથી બનાવવામાં આવ્યો છે. આ એવોર્ડની ડિઝાઈન લાંબા સમય પૂર્વે ખાસ રજિસ્ટર કરાવવામાં આવી છે. ગોરધન ઝડફિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, કદાચ દેશના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હશે જ્યાં કોઈ સમાજ દ્વારા વડાપ્રધાનને સંપૂર્ણ સોનાનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે.
વડોદરામાં સરદારધામ-3 ના માધ્યમથી પાટીદાર સમાજ માત્ર બિઝનેસ ક્ષેત્રે જ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં વડાપ્રધાનના નેતૃત્વને સમર્થન આપી આ નમ્ર પ્રયાસ કરી રહ્યો છે. આ જાહેરાતને પગલે પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ છે અને વડોદરામાં યોજાનાર આ કાર્યક્રમ પ્રત્યે સમગ્ર દેશની નજર રહેશે.