ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન અમેરિકા અને ઈઝરાયલને સીધો પડકાર ફેંકતા કહ્યું કે ઈરાન કોઈ સામાન્ય દેશ નથી, પરંતુ એક સુપરપાવર છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ઈરાન પોતાની સુરક્ષા, સન્માન અને સાર્વભૌમત્વ સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરે. ઈસ્માઈલ બઘાઈએ કહ્યું કે જે દેશ બે પરમાણુ શક્તિ ધરાવતા દેશો સામે અડીખમ ઊભો રહી શકે, તેને નબળો દેશ કહી શકાય નહીં. તેમણે દાવો કર્યો કે અમેરિકા લાંબા સમયથી પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને અન્ય દેશો પર દબાણ બનાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ઈરાન અમેરિકાની શરતો સામે ઝૂકશે નહીં. તેમના નિવેદનને ઈરાનની કડક અને આત્મવિશ્વાસભરી વિદેશ નીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ ચર્ચા દરમિયાન ઈરાન તરફથી ભારતને લઈને પણ ખૂબ જ સકારાત્મક નિવેદન આપવામાં આવ્યું હતું. ઈસ્માઈલ બઘાઈએ ભારતને ઈરાનનો ખાસ અને નજીકનો મિત્ર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો સદીઓ જૂના છે અને બંને દેશો વચ્ચે વિશ્વાસ તથા સહકારની મજબૂત પરંપરા રહી છે. બઘાઈએ જણાવ્યું કે ભારત અને ઈરાન માત્ર વેપાર અથવા રાજકીય સ્તરે જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે પણ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. તેમણે કહ્યું કે બંને દેશો હંમેશાં પરસ્પર સન્માન અને સહયોગના આધારે આગળ વધ્યા છે. ઈરાને ભારત સાથેના સંબંધો પર ગૌરવ હોવાનું પણ જણાવ્યું.
તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. ખાસ કરીને પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર વધારાનો ટેક્સ અથવા શુલ્ક લગાવી શકે છે. જોકે ઈસ્માઈલ બઘાઈએ આ તમામ અટકળોને ફગાવી દીધી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે ભારતીય જહાજો પર કોઈ પ્રકારનો ટેક્સ લગાવવાની ઈરાનની કોઈ યોજના નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે ભારત અને ઈરાન બંને ગુટનિરપેક્ષ આંદોલન સાથે જોડાયેલા રહ્યા છે અને બંને દેશો વૈશ્વિક સ્તરે સ્વતંત્ર વિદેશ નીતિમાં વિશ્વાસ રાખે છે. બંને દેશોની સરકારો સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ ચર્ચા અંગે પણ ઈસ્માઈલ બઘાઈએ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચે હાલ વાતચીત ચાલુ છે, પરંતુ વિશ્વાસનો અભાવ હજુ પણ મોટો પડકાર છે. ઈરાને અમેરિકા સમક્ષ 40 મુદ્દાઓ ધરાવતો શાંતિ પ્રસ્તાવ મૂક્યો હતો, જેના જવાબમાં અમેરિકાની તરફથી નવો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. ઈરાન હાલમાં અમેરિકાના નવા પ્રસ્તાવનો અભ્યાસ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં પાકિસ્તાની મધ્યસ્થો મારફતે પોતાનો જવાબ આપશે. બઘાઈએ કહ્યું કે ઈરાન હંમેશા સંવાદ અને શાંતિપૂર્ણ ઉકેલમાં વિશ્વાસ રાખે છે, પરંતુ સાથે જ પોતાની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરે. તેમણે અંતમાં કહ્યું કે ઈરાન આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરે છે અને પોતાની રક્ષા માટે જરૂરી દરેક પગલું ભરવાનું ચાલુ રાખશે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઈરાનના આ નિવેદનોએ વૈશ્વિક રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે.