અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની જ સંસદમાં મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. અમેરિકન સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી પર નિયંત્રણ મૂકવા માટે એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કર્યો છે. આ ઠરાવનો મુખ્ય હેતુ કોંગ્રેસની મંજૂરી વિના ઈરાન સામે કોઈપણ લાંબા ગાળાની સૈન્ય કાર્યવાહી ચલાવવાની પ્રમુખની સત્તા પર અંકુશ લાવવાનો છે. આ નિર્ણયને ટ્રમ્પ સરકાર માટે એક મોટા રાજકીય પડકાર તરીકે જોવામાં આવી રહ્યો છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં આ મુદ્દે ભારે ચર્ચા અને મતદાન થયું હતું. ઠરાવના સમર્થનમાં 215 મત પડ્યા હતા જ્યારે વિરોધમાં 208 સાંસદોએ મતદાન કર્યું હતું. માત્ર 7 મતના અંતરથી ઠરાવ પસાર થયો હતો. આ મતદાનની સૌથી ખાસ વાત એ રહી કે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના ચાર સાંસદોએ પોતાની પાર્ટીના વલણથી અલગ જઈને ડેમોક્રેટિક પાર્ટીના સમર્થનમાં મત આપ્યો હતો.
પરિણામે, રિપબ્લિકન બહુમતી હોવા છતાં ટ્રમ્પ આ ઠરાવને અટકાવવામાં નિષ્ફળ રહ્યા હતા. અગાઉ પણ ઈરાન મુદ્દે આવા પ્રકારના ઠરાવો ત્રણ વખત રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તે સફળ થયા નહોતા. આ વખતે મળેલી સફળતા ડેમોક્રેટિક પાર્ટી માટે મોટી રાજકીય જીત માનવામાં આવી રહી છે. ડેમોક્રેટ્સનું કહેવું છે કે અમેરિકન જનતા વધુ યુદ્ધ નથી ઈચ્છતી અને કોંગ્રેસે લોકોની ભાવનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ડેમોક્રેટિક નેતાઓએ ટ્રમ્પ પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસની પૂર્વ મંજૂરી વિના ઈરાન સામે સૈન્ય કાર્યવાહી આગળ વધારવામાં આવી છે, જે અમેરિકન બંધારણ અને ‘વોર પાવર્સ એક્ટ’ની ભાવનાનું ઉલ્લંઘન છે. આ કાયદા મુજબ, પ્રમુખ કોઈ લાંબા ગાળાની સૈન્ય કાર્યવાહી ચાલુ રાખવા માંગતા હોય તો તેમને નિશ્ચિત સમયમર્યાદામાં કોંગ્રેસની મંજૂરી લેવી જરૂરી હોય છે. ડેમોક્રેટ્સનો દાવો છે કે આ પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું નથી.
બીજી તરફ ટ્રમ્પ પ્રશાસન આ આરોપોને નકારી રહ્યું છે. સરકારનું કહેવું છે કે ઈરાન સામે લેવામાં આવેલા તમામ પગલાં અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા હતા. પ્રશાસનનું માનવું છે કે આ કાર્યવાહીનો હેતુ સંભવિત ખતરાને રોકવાનો હતો અને દેશના હિતોની રક્ષા કરવાનો હતો. તેમ છતાં કોંગ્રેસમાં થયેલા મતદાનથી સ્પષ્ટ થયું છે કે ટ્રમ્પની નીતિઓને લઈને તેમની પોતાની પાર્ટીમાં પણ મતભેદ જોવા મળી રહ્યા છે. હાલમાં હાઉસમાં ઠરાવ પાસ થયો છે, પરંતુ તે હજુ કાયદો બન્યો નથી. હવે આ પ્રસ્તાવ અમેરિકન સંસદના ઉપલા ગૃહ સીનેટમાં જશે. જો સીનેટ પણ તેને મંજૂરી આપે તો તે પ્રમુખ ટ્રમ્પ પાસે અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવશે. જોકે ટ્રમ્પ પાસે તેને વીટો કરવાની સત્તા છે. જો પ્રમુખ વીટો કરે તો કોંગ્રેસને તે વીટોને રદ કરવા માટે બંને ગૃહોમાં બે-તૃતીયાંશ બહુમતી મેળવવી પડશે, જે હાલની રાજકીય સ્થિતિમાં સરળ માનવામાં આવતી નથી.ભલે આ ઠરાવ કાયદાકીય રીતે ટ્રમ્પને તાત્કાલિક રોકી શકે તેમ ન હોય, પરંતુ રાજકીય રીતે તેને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
આગામી મિડટર્મ ચૂંટણીઓ નજીક આવી રહી છે અને ઈરાન સાથેના તણાવનો મુદ્દો અમેરિકન મતદારો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા રિપબ્લિકન સાંસદોને ભય છે કે યુદ્ધ અને વધતા તણાવની સીધી અસર ચૂંટણી પરિણામો પર પડી શકે છે. તેથી જ કેટલાક સાંસદોએ પોતાની પાર્ટીની લાઇનથી અલગ જઈને મતદાન કર્યું હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. આ સમગ્ર ઘટનાએ એક વાત સ્પષ્ટ કરી છે કે ઈરાન મુદ્દે અમેરિકાની અંદર જ મતભેદ વધી રહ્યા છે. કોંગ્રેસના આ નિર્ણયથી ટ્રમ્પ સરકાર પર દબાણ વધ્યું છે અને આગામી દિવસોમાં સીનેટમાં થનારી ચર્ચા અને મતદાન પર સમગ્ર દુનિયાની નજર રહેશે.