અડાલજ ત્રિમંદિર ખાતે મહેસૂલ વિભાગની ચિંતન શિબિરનો પ્રારંભ
ગાંધીનગર,
સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર નજીક આવેલા ત્રિમંદિર અડાલજ ખાતે મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. “કોલોબરેટ, ઈનોવેટ એન્ડ ટ્રાન્સફોર્મ ફોર બેટર લેન્ડ ગવર્નન્સ” થીમ હેઠળ યોજાયેલી આ શિબિરમાં રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને મહેસૂલી અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ચિંતન શિબિર માત્ર ચર્ચા માટે નહીં પરંતુ પોતાની જાત સાથે સંવાદ સાધવાનો અને છેવાડાના માનવીના કલ્યાણ માટે નીતિઓને વધુ અસરકારક બનાવવાનો એક સશક્ત મંચ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મહેસૂલ વિભાગ રાજ્યના વિકાસમાં કેન્દ્રસ્થાન ધરાવે છે અને કલેક્ટરોની સામૂહિક તાકાત દ્વારા “સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ”ના કાર્યમંત્રને અસરકારક રીતે અમલમાં મૂકી શકાય છે. આ કાર્યમંત્ર નરેન્દ્ર મોદીએ દેશના વિકાસ માટે આપ્યો છે, જે ગુજરાતમાં પણ પ્રેરણારૂપ બની રહ્યો છે.
મુખ્યમંત્રીએ અધિકારીઓને ચિંતામુક્ત રહી સ્પષ્ટતા અને સંવેદનાથી કામ કરવાની સલાહ આપતાં કહ્યું કે, નાગરિકોને સરકારી કચેરીઓમાં સરળતા અનુભવે અને તેમના પ્રશ્નોનો સમયસર ઉકેલ મળે તે જ વહીવટની સાચી કસોટી છે. તેમણે દાદા ભગવાનના વિચારોનો ઉલ્લેખ કરતાં સહકાર અને ટીમવર્કના માધ્યમથી સમસ્યાઓના ઉકેલ પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે પૂ.દીપકભાઈ દેસાઈએ મહેસૂલી અધિકારીઓને આધ્યાત્મિકતા અને સેવાભાવ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી હતી. તેમણે જીવનમાં નૈતિકતા, પરોપકાર, શુદ્ધ વ્યવહાર અને કર્મના સિદ્ધાંતોને અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર માટે નાગરિકોની સેવા સર્વોપરી છે. તેમણે જણાવ્યું કે, ઇ-ધરા જેવી વ્યવસ્થાઓ દ્વારા ફેસલેસ અને પેપરલેસ ગવર્નન્સને વેગ મળ્યો છે, તેમજ જમીન ફાળવણીમાં પારદર્શિતા અને ઝડપ વધારવા માટે ‘ઝીરો ડીલે’ની નીતિ અપનાવવામાં આવી છે.
મુખ્ય સચિવ મનોજકુમાર દાસએ મહેસૂલ વિભાગની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ટેકનોલોજી અને પારદર્શિતા દ્વારા રાજ્ય વિકાસના નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે. ખાસ કરીને રિન્યુએબલ એનર્જી અને સોલર ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર બનવામાં મહેસૂલ વિભાગનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ શિબિરના આયોજન વિશે માહિતી આપતાં જણાવ્યું કે, આ શિબિર વહીવટમાં ગુણાત્મક સુધારા લાવવાનો પ્રયાસ છે. તેમણે ઉમેર્યું કે આધ્યાત્મિક ઉર્જા અને આંતરિક સંતુલન સાથે કામ કરવાથી અધિકારીઓ વધુ અસરકારક રીતે જવાબદારીઓ નિભાવી શકે છે.
આ ત્રિદિવસીય ચિંતન શિબિરમાં વિવિધ સત્રો, ચર્ચાઓ અને પ્રેઝન્ટેશન્સ દ્વારા મહેસૂલ વિભાગના કામકાજમાં સુધારા, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, પારદર્શિતા અને ઝડપી સેવા પ્રદાન અંગે વિશ્લેષણાત્મક ચર્ચાઓ યોજાવાની છે.આ શિબિર દ્વારા મહેસૂલ વિભાગમાં નવી દિશા અને દ્રષ્ટિકોણ સાથે કાર્યપદ્ધતિમાં પરિવર્તન લાવી રાજ્યના નાગરિકોને વધુ ઝડપી, પારદર્શક અને અસરકારક સેવાઓ પૂરી પાડવાનો મહત્વપૂર્ણ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.