ગાંધીનગર,
ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલના સેવાભાવી તબીબ ડૉ. ગણેશ બારૈયાનું ભાવસભર સન્માન કરવામાં આવ્યું હતું. શારીરિક અક્ષમતાને મજબૂત મનોબળથી પરાસ્ત કરીને સફળતા મેળવનાર ડૉ. ગણેશની સંઘર્ષગાથાને મંત્રીએ યુવાપેઢી માટે પ્રેરણારૂપ ગણાવી હતી.
આ પ્રસંગે રાજય આરોગ્ય મંત્રીએ યુવાઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે જીવનમાં કોઈપણ નિષ્ફળતાથી ડરવું નહીં, પરંતુ તેમાંથી શીખ લઈને આગળ વધવું જોઈએ. તેમણે કહ્યું કે, ડૉ. ગણેશ જેવા લડવૈયા બનીને મુશ્કેલીઓ સામે ડટીને લડવું એ જ સાચી સફળતા છે.
વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યાના બનાવોને લઈને ચિંતા વ્યક્ત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, એક વિદ્યાર્થીનું આ પગલું માત્ર તેના જીવનને નહીં, પરંતુ માતા-પિતાના સપનાઓને પણ તોડી નાખે છે. તેથી નિષ્ફળતા કે અભ્યાસમાં આવતી મુશ્કેલીઓથી ગભરાવાની જરૂર નથી, પરંતુ અથાગ મહેનતથી ફરી ઊભા થવું જોઈએ. ખાસ કરીને મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ જાળવી રાખવો જરૂરી છે.
પાનસેરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, માત્ર ડૉક્ટર કે એન્જિનિયર બનવું જ સફળતા નથી, પરંતુ માનવીય અભિગમ અને પરિવાર સાથેનો સંવાદ જ જીવનને સમૃદ્ધ બનાવે છે. યુવાનોને મોબાઇલથી દૂર રહી પરિવાર સાથે વધુ સમય વિતાવવાનો સંદેશ પણ આપ્યો હતો.આ પ્રસંગે પોતાના અનુભવ શેર કરતાં ડૉ. ગણેશ બારૈયાએ જણાવ્યું હતું કે, તેમને મેડિકલ કાઉન્સિલ દ્વારા શરૂઆતમાં નકારવામાં આવ્યા હતા, છતાં તેમણે હિંમત ન હારતા કાનૂની લડત લડી અને અંતે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ન્યાય મેળવી ડૉક્ટર બનવાનું સ્વપ્ન સાકાર કર્યું.
ડૉ. ગણેશે પોતાની સફળતાનો શ્રેય પોતાના ગુરુ ડૉ. દલપત કાતરિયાને આપ્યો હતો, જેમણે સમગ્ર સંઘર્ષ દરમિયાન તેમનો સાથ આપ્યો હતો.આ પ્રસંગે મંત્રીએ ગુરુ-શિષ્યના આ અતૂટ સંબંધને બિરદાવ્યો હતો તેમજ મેડિકલ કોલેજના ડીન અને સુપરિન્ટેન્ડેન્ટના સહયોગની પણ પ્રશંસા કરી હતી.આ સમગ્ર કાર્યક્રમ યુવાઓ માટે પ્રેરણાદાયી બની રહ્યો હતો, જેમાં સંદેશ આપ્યો કે સંઘર્ષ અને આત્મવિશ્વાસથી કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે.