ગાંધીનગર,
ગુજરાતે ‘પોષણ પખવાડિયા-2026’માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં દેશભરમાં ચોથો ક્રમ હાંસલ કર્યો છે. તા. 9 થી 23 એપ્રિલ દરમિયાન યોજાયેલા આ અભિયાન દરમિયાન રાજ્યમાં 73.14 લાખથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલએ આ સિદ્ધિને રાજ્ય માટે ગૌરવપૂર્ણ ગણાવી હતી.સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રવૃત્તિઓમાં 10.77 ટકા જેટલું યોગદાન આપી વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે. ભારત સરકારના આંકડાઓ મુજબ રાજ્યના આ પ્રદર્શનને દેશવ્યાપી અભિયાનમાં મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે.
આ અભિયાનમાં મહિલા અને બાળ વિકાસ વિભાગે સૌથી વધુ યોગદાન આપ્યું છે. કુલ પ્રવૃત્તિઓમાંથી 46.36 ટકા એટલે કે 33.91 લાખ પ્રવૃત્તિઓ આ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. સાથે જ આરોગ્ય, શિક્ષણ અને પંચાયત સહિતના 18થી વધુ વિભાગોએ પણ સક્રિય ભાગ લઈને પોષણ જાગૃતિને જનઆંદોલન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
વર્ષ 2026ના પોષણ પખવાડિયાની મુખ્ય થીમ “જીવનના પ્રથમ છ વર્ષમાં મગજના વિકાસને મહત્તમ બનાવવો” રાખવામાં આવી હતી. બાળકના મગજનો લગભગ 85 ટકા વિકાસ 6 વર્ષની ઉંમર સુધીમાં થતો હોવાથી આ તબક્કામાં યોગ્ય પોષણ, સંવાદ અને સંભાળને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા હતા.પોષણ પખવાડિયા-2026 અભિયાન દરમિયાન સગર્ભા માતાના પોષણ, સ્તનપાન, પૂરક આહાર, તેમજ રમતગમત અને સ્નેહ દ્વારા બાળકના મગજના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે આંગણવાડીઓમાં પ્રાથમિક શિક્ષણ માટે નવી પહેલો, બાળકોમાં સ્ક્રીન ટાઈમ ઘટાડવા અંગે જાગૃતિ અને લોકભાગીદારી દ્વારા આંગણવાડીઓને આધુનિક બનાવવાના પ્રયાસો પણ હાથ ધરાયા હતા.રાજ્યની ગ્રામ પંચાયતોમાં પોષણ પંચાયતો, ક્વિઝ, પોસ્ટર સ્પર્ધાઓ અને વિવિધ જાગૃતિ કાર્યક્રમો દ્વારા પોષણનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવ્યો હતો.