Gujarat

બેંક એકાઉન્ટ ભાડે લઈને ઠગાઈ – ₹53.55 કરોડની આંતરરાજ્ય સાયબર ઠગાઈનો પર્દાફાશ – 10 આરોપીઓ ઝડપાયા

સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સનું ઓપરેશન

ગાંધીનગર,
ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ દ્વારા મોટા પાયે ચાલતા આંતરરાજ્ય સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 10 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ 10 સભ્યોની ગેંગ દ્વારા સાયબર ઠગાઈના આશરે ₹53.55 કરોડના ગોટાળા કરવામાં આવ્યા છે.

સાયબર સેન્ટર ની પોલીસ ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય માહિતીના આધારે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ દેશના વિવિધ રાજ્યોમાં નોંધાયેલા કુલ 132 સાયબર ગુનાઓમાં સંડોવાયેલા હતા. આ કેસોમાં ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કેરળ સહિત અનેક રાજ્યોમાં ફરિયાદો નોંધાઈ છે.ધરપકડ કરાયેલા 10 આરોપીઓમાં નિઝામુદ્દીન મહેબુશાહ દિવાન – રહે. પેટલાદ, જી. આણંદ, સાહિલમિયા શબ્બીરમિયા મલેક – રહે. પેટલાદ, જી. આણંદ,સોહિલ સલિમુદ્દીન મલેક – રહે.બોરસદ, જીગ્નેશ રાજેન્દ્રભાઈ પટેલ – રહે. ખેડા,વનરાજ લક્ષ્મણભાઈ ભરવાડ – રહે. નડિયાદ, તુષાર મફતભાઈ વાળંદ – રહે.બોરીયાવી, આણંદ, રિકેન ઉર્ફે રોકી ઉર્ફે પંડિત રાજેશભાઈ પટેલ – રહે. મહુધા, જી. ખેડા,આકાશ પ્રવીણભાઈ પટેલ – રહે. કઠવાડા, અમદાવાદ, મોઇન રુકનોદીન મલેક – રહે. પેટલાદ, જી. આણંદ , કૃપલ ચરણરાજ દેસાઈ (ઉંમર 28 વર્ષ) – રહે. પેટલાદ, જી. આણંદ- નો સમાવેશ થાય છે.
આરોપીઓ દ્વારા બેંક એકાઉન્ટ ભાડે લઈને અને લાલચ આપીને તેનો ઉપયોગ સાયબર ઠગાઈ માટે કરવામાં આવતો હતો. મોબાઇલ ફોનની તપાસ દરમિયાન 197 જેટલા બેંક એકાઉન્ટની માહિતી મળી આવી હતી, જેમાંથી 60 એકાઉન્ટ સાયબર ક્રાઇમમાં સક્રિય હોવાનું સામે આવ્યું છે.આ કૌભાંડ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, યુપીઆઈ સંબંધિત ઠગાઈ તેમજ ટ્રેડિંગ ફ્રોડ જેવા વિવિધ પ્રકારના ગુનાઓ આચરવામાં આવતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 11 મોબાઇલ ફોન, 3 ચેકબુક, 3 પાસબુક અને 3 ડેબિટ કાર્ડ કબજે કર્યા છે.

સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ દ્વારા સ્થાનિક લોકોને અપીલ કરાઈ છે કે કોઈપણ અજાણ્યા વ્યક્તિના લાલચમાં આવીને પોતાના બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ અથવા સીમકાર્ડ ભાડે ન આપે. તેમજ સોશિયલ મીડિયા પર ઝડપથી નફો આપવાના વાયદા કરતી રોકાણ યોજનાઓથી સાવચેત રહેવું જોઈએ.સાયબર ગુનો બને તો તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરવાની પણ અપીલ કરવામાં આવી છે, જેથી ‘ગોલ્ડન અવર’ દરમિયાન નાણાં બચાવી શકાય.

Most Popular

To Top