અમદાવાદ: રાજ્યમાં ઉનાળાની તીવ્રતા યથાવત્ જોવા મળી રહી છે. આજે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં કાળઝાળ 42 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અન્ય શહેરોમાં પણ ગરમીનો માહોલ યથાવત્ રહ્યો છે.જો કે આજે દિવસ દરમ્યાન દાહોદ તથા મહીસાગર, અમરેલી અને રાજકોટ જિલ્લાના 8 તાલુકાઓમાં હળવો વરસાદ થયો છે. ખાસ કરીને દાહોદના ફતેહપુરામાં 20 મીમી , ઝાલોદમાં 14 મીમી દાહોદના સુખસરમાં 12 મીમી અને મહીસાગરના સંતમરામપુરમાં 10 મીમી જેટલો વરસાદ થયો છે. આવતીકાલે તા.6ઠ્ઠી મેના રોજ વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાઓમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજની શક્યતા છે.
હવમાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર , રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલ મહત્તમ તાપમાન મુજબ ભૂજમાં 41 ડિ.સે., નલિયામાં 35 ડિ.સે., કંડલા પોર્ટ પર 36 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 40 ડિ.સે., અમરેલીમાં 41 ડિ.સે., ભાવનગરમાં 41 ડિ.સે., પોરબંદરમાં 34 ડિ.સે., મહુવામાં 34 ડિ.સે., કેશોદમાં 36 ડિ.સે., અમદાવાદ, ડીસા, ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 39 ડિ.સે., વડોદરામાં 38 ડિ.સે., સુરતમાં 33 ડિ.સે. અને દમણમાં 37 ડિ.સે. તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના વિશ્લેષણ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં વધારો પણ નોંધાયો હતો. જોકે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા નીચું રહ્યું છે. હવામાનની સ્થિતિ અંગે વાત કરીએ તો કાશ્મીર અને આસપાસના વિસ્તારમાં ઉપરવાસમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. તેમજ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર પણ ઉપરવાસમાં સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે. રાજ્યમાં નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.
આગામી 7 દિવસ માટેના અંદાજ મુજબ મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. જોકે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિ.સે.થી વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે 9 થી 11 મે દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવાના કારણે ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની શક્યતા છે, જેના કારણે લોકોને અસહજતા અનુભવાઈ શકે છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટે હવામાન વિભાગે ભાગ્યે વાદળછાયું આકાશ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિ.સે. આસપાસ રહેવાની શક્યતા છે.