પશ્ચિમ બંગાળમાં ભાજપની અકલ્પનીય જીત અને મમતા બેનરજીની નામોશીભરી હારનું દરેક રાજકીય વિશ્લેષક પોતપોતાની રીતે પોસ્ટમોર્ટમ કરી રહ્યા છે. કોઈને તેમાં હિન્દુત્વનો ભવ્ય વિજય જણાય છે તો કોઈને મમતાનાં પંદર વર્ષના દુ:શાસનનો કરુણ અંજામ દેખાય છે. કોઈ ભાજપની જીત માટે ચૂંટણી પંચનો આભાર માની રહ્યું છે તો કોઈ કહી રહ્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાના લાખો કાર્યકરોની ફોજ બંગાળમાં ઊતારી દીધી તેને કારણે ભાજપ જીત્યો છે. અંધારા ઓરડામાં બંધ સાત આંધળાઓને આખો હાથી નહોતો દેખાતો, જેને કારણે તેઓ હાથીના જે અંગને સ્પર્શ કરતા હતા તેવો હાથી માનતા હતા, પણ તે રૂમમાં રહેલા દેખતા માણસને આખો હાથી દેખાતો હતો, તેમ મમતા બેનરજીની હાર માટે પણ વિવિધ કારણોનો સરવાળો જવાબદાર છે.
આ લખનારના મતે મમતા બેનરજીની હારનું સૌથી મોટું કારણ એન્ટી ઇનકમ્બન્સી ફેક્ટર છે, જેનો પરચો પશ્ચિમ બંગાળ ઉપરાંત તામિલનાડુ અને કેરળમાં પણ શાસક પક્ષોને મળ્યો છે. લોકશાહીનો નિયમ છે કે દેશમાં કે રાજ્યમાં જે પક્ષ સત્તા પર હોય તે પાંચ કે દસ વર્ષે અળખામણો થઈ જાય છે. કોઈ પણ રાજ્યમાં ગરીબી, બેકારી, મોંઘવારી જેવી સમસ્યાઓ શાશ્વત હોય છે. કોઈ રાજકીય પક્ષ પાસે તેનો ઉકેલ હોતો નથી.
આ કારણે પ્રજા પોતાની મુસીબતો માટે શાસક પક્ષને જવાબદાર માને છે અને તેને ધિક્કારવા લાગે છે. સત્તાધારી રાજકીય પક્ષો થોડા કાળ માટે પ્રજાને ભ્રમમાં રાખીને પોતાની ગાદી ટકાવી શકે છે, પણ આખરે તેનો છેડો આવી જતો હોય છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી પંદર વર્ષથી સત્તામાં હતાં. તેમણે પોતાના શાસન કાળમાં ઘણાં ખોટાં કામો કર્યાં હતાં, પણ સમર્પિત મતદારોની તાકાત પર તેઓ જીત્યા કરતાં હતાં.
આ સમર્પિત મતદારો પૈકી મમતા બેનરજીનાં પંદર વર્ષના શાસન દરમિયાન પડેલી મુસીબતોથી કંટાળી ગયેલાં મમતાનાં સમર્થક હિન્દુ મતદારોના મોટા હિસ્સાને પ્રચાર દ્વારા પોતાની તરફેણમાં કરવાનું કામ ભાજપે આક્રમક રીતે કર્યું હતું, જેના કારણે તેઓ બસોથી વધુ બેઠકો સાથે વિજયી થયા છે. અત્યાર સુધીનાં પરિણામો અને વલણોના આધારે મમતા બેનરજીની હાર પાછળ પાંચ મુખ્ય કારણો ધ્યાનમાં લેવામાં આવી રહ્યાં છે. તેમાં પહેલું કારણ મહિલાઓના મિજાજમાં આવેલું પરિવર્તન જણાય છે.
પશ્ચિમ બંગાળમાં મહિલા મતદારોનો એક મોટો વર્ગ લાંબા સમયથી મમતા બેનરજીની પાર્ટીને ટેકો આપી રહ્યો હતો તેમાં કોઈ શંકા નથી. આ વખતે આ સમર્થનનો આધાર ક્ષીણ થઈ ગયો હોય તેવું લાગે છે. આનું એક મુખ્ય કારણ મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓને સંબોધવામાં પાર્ટીની નિષ્ફળતા હોઈ શકે છે. બે વર્ષ પહેલાં તબીબી કોલેજમાં આરજી ટેક્સકાંડ થયો હતો, જેમાં તબીબી કોલેજમાં ભણતી વિદ્યાર્થિની પર બળાત્કાર કરીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી.
આ હત્યાકાંડમાં સંડોવાયેલાં કેટલાંક લોકો મમતાનાં સમર્થકો હોવાને કારણે સરકાર દ્વારા તેમને છાવરવામાં આવ્યાં હતાં. તેને કારણે મમતા બેનરજીની છાપ ખરડાઈ હતી. આ મુદ્દાએ આ ચૂંટણીને પ્રભાવિત કરી હોય તેવું લાગે છે. તેનું મુખ્ય ઉદાહરણ પાનિહાટી છે, જે પરંપરાગત રીતે તૃણમૂલનો ગઢ માનવામાં આવે છે. ત્યાં આરજી ટેક્સ કેસમાં શિકાર મહિલાની માતા ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહી હતી અને ૨૮,૮૩૬ મતોના માર્જિનથી જીતી ગઈ હતી. આ કાંડનો સંદેશો આખા બંગાળમાં મમતા બેનરજીને ભારે પડી ગયો હતો.
મમતા બેનરજીની હારનું બીજું કારણ મતદાર યાદીની SIR પ્રક્રિયા દરમિયાન ૯૦ લાખથી વધુ નામો કાઢી નાખવામાં આવ્યાં હતાં, જેમાંનાં મોટા ભાગનાં મુસ્લિમ હતાં. હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે TMC ને સૌથી વધુ નુકસાન થયું છે. એ વાત સાચી છે કે ઘણાં માન્ય મતદારોનાં નામ પણ યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં હતાં, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે મોટી સંખ્યામાં નકલી અથવા મૃત મતદારોનાં નામ પણ દૂર કરવામાં આવ્યાં હતાં. ભાજપે સતત દાવો કર્યો હતો કે ટીએમસી વર્ષોથી ચૂંટણીમાં આવી અનિયમિતતાઓનો ફાયદો ઉઠાવી રહી છે અને હવે આ ફાયદો ઓછો થશે. વર્તમાન વલણો દર્શાવે છે કે આ દાવામાં ઘણું સત્ય છે.
રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે પણ આ ચૂંટણીમાં ઊથલપાથલનું મુખ્ય કારણ SIR ને ગણાવ્યું હતું. ચૂંટણીનાં પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થયા પછી તેમણે કહ્યું કે ભાજપ પાસે વધુ બેઠકો હોય તેવું લાગી શકે છે પરંતુ મતોમાં ફક્ત ત્રણ ટકાનો જ તફાવત છે. જો વસ્તીના ૪.૩ ટકા લોકોને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી હોત, જેમાંથી આપણે જાણીએ છીએ કે મોટા ભાગનાં મુસ્લિમ હતાં અને જે લોકો મુસ્લિમ નહોતાં, તેમાં પણ ઘણાં ટીએમસીનાં મતદારો હતાં, તો શું પરિણામ ભાજપની તરફેણમાં હોત? ચૂંટણીનાં પરિણામો જોયા પછી સ્પષ્ટપણે કહી શકાય કે SIR પ્રક્રિયા દ્વારા મમતા બેનરજીનાં લાખો સમર્થકોને મતદાનથી વંચિત રાખવા તે ચૂંટણી જીતવા માટેનો ભાજપનો માસ્ટરસ્ટ્રોક હતો.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની હારનું ત્રીજું મોટું કારણ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ હતાં. પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં પંદર વર્ષના ટીએમસી શાસન દરમિયાન ભ્રષ્ટાચાર, ગેરશાસન, રોજિંદા જીવનમાં કટકીના આરોપો, સિન્ડિકેટ સંસ્કૃતિનો ઉદય અને વહીવટી નિષ્ફળતાઓ કદાચ આટલા મોટા પાયે ક્યારેય જોવા મળી નથી. મમતા બેનરજીની નજીકનાં અનેક લોકો ચીટ ફંડમાં ગોટાળાઓ અને ભ્રષ્ટાચારના આરોપોને કારણે જેલમાં ગયા હતા, જેના છાંટા મમતા બેનરજી પર પણ ઊડ્યા હતા.
તેમ છતાં ૨૦૧૬ માં અને ૨૦૨૧ માં પણ પાર્ટીએ બંગાળી ઓળખ, મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ અને ધર્મનિરપેક્ષતા જેવા મુદ્દાઓને સમર્થન આપીને આ ટીકાઓને બાજુ પર રાખી સત્તા ટકાવી રાખી હતી. આ વખતે મમતા બેનરજીએ SIR પ્રક્રિયાને કારણે લોકોને પડી રહેલી સમસ્યાઓને એક મોટો રાજકીય મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો અને દરેક શક્ય રીતે તેનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ પ્રયાસ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી શક્યો નહીં.
રાજકીય વિશ્લેષકો લાંબા સમયથી કહે છે કે મમતા બેનરજીની સતત ચૂંટણી સફળતાનું એક મુખ્ય કારણ રાજ્યમાં મુસ્લિમ સમુદાયનો લગભગ સર્વસંમતિથી મળેલો ટેકો હતો. પશ્ચિમ બંગાળની વસ્તીમાં મુસ્લિમો આશરે ૩૦ ટકા છે અને ઐતિહાસિક રીતે તેમના ૮૫ થી ૯૦ ટકા મતો ટીએમસીને ગયા હતા. આ વખતે પહેલી વખત ૭૦ ટકા હિન્દુ મતોનું વિપરીત ધ્રુવીકરણ થયું છે, જેનો ફાયદો ભાજપને થયો છે.
પશ્ચિમ બંગાળના ગ્રામીણ વિસ્તારોમાં હિન્દુ મતોનું એકત્રીકરણ મોટા પ્રમાણમાં જોવા મળ્યું. ટીએમસીનાં મતદારો પણ ભાજપ તરફ આગળ વધ્યાં. આ ભાજપની જીતનું એક મુખ્ય કારણ હતું. હિન્દુત્વના આક્રમક પ્રચાર દ્વારા ભાજપે આ લક્ષ્ય હાંસલ કર્યું છે.મમતા બેનરજીની હારનું પાંચમું મુખ્ય કારણ ભાજપ દ્વારા સેન્ટ્રલ એજન્સીઓનો કરવામાં આવેલો ચાલાકીભર્યો ઉપયોગ છે, જેમાં ચૂંટણી પંચનો પણ સમાવેશ થઈ જાય છે. ટીએમસી અને અન્ય વિપક્ષી પાર્ટીઓ ભાજપ પર કેન્દ્રીય દળોનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવી રહી છે.
સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે મત ગણતરીમાં કેન્દ્રીય દળોનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. હકીકતમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થતાં જ ચૂંટણી પંચે રાજ્યના વહીવટ પર મજબૂત નિયંત્રણ મેળવી લીધું હતું. મતદાન શરૂ થાય તે પહેલાં જ રાજ્યભરમાં ૨ લાખ ૪૦ હજારથી વધુ કેન્દ્રીય સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યાં હતાં. આટલી મોટી સુરક્ષાવ્યવસ્થાને કારણે ચૂંટણીઓ એકદમ શાંતિપૂર્ણ રહી અને હિન્દુ મતદારો ભય કે દબાણ વિના મતદાન કરી શક્યાં, જેનો લાભ ભાજપને મળ્યો હતો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.