IPLમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ‘કરો કે મરો’ જેવી મેચ રમાવાની છે. આ મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સાંજે 7 વાગ્યે થશે. આ સીઝનમાં બંને ટીમો પહેલીવાર આમને-સામને આવી રહી છે, એટલે મેચને લઈને ફેન્સમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ નિર્ણાયક છે. જો મુંબઈ ઈન્ડિયન્સ પોતાના હોમ ગ્રાઉન્ડ પર હારી જાય છે, તો તે પ્લેઑફની રેસમાંથી સીધી બહાર થઈ જશે. બીજી તરફ, લખનઉ સુપર જાયન્ટ્સ માટે પણ આ મેચ લાસ્ટ ચાન્સ જેવી છે. જો તેઓ હારી જાય, તો તેમની પ્લેઑફમાં પહોંચવાની આશા પણ લગભગ સમાપ્ત થઈ જશે. હાલ બંને ટીમો પાસે 4-4 પોઇન્ટ્સ છે, એટલે આ મેચ જીતવી બન્ને માટે જરૂરી બની ગઈ છે.
ટીમની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રાયન રિકલ્ટન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને કેપ્ટન હાર્દિક પંડ્યા પર મોટી જવાબદારી રહેશે. ખાસ કરીને રિકલ્ટન આ સીઝનમાં ખૂબ જ સારા ફોર્મમાં છે. તેણે 7 મેચમાં 297 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ ખૂબ જ ઝડપી રહ્યો છે. બોલિંગમાં અલ્લાહ ગઝનફરે પણ સારી કામગીરી કરી છે અને તે 11 વિકેટ લઈને ટીમ માટે મહત્વનો ખેલાડી સાબિત થયો છે. લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી મિચેલ માર્શ, રિષભ પંત અને નિકોલસ પૂરન જેવા ખેલાડીઓ પર ટીમની આશા રહેશે. માર્શે આ સીઝનમાં 212 રન બનાવીને પોતાની ફોર્મ બતાવી છે. બોલિંગમાં પ્રિન્સ યાદવે 13 વિકેટ લઈને ટીમ માટે સારો પ્રદર્શન કર્યું છે. તેથી, બંને ટીમોમાં બેટિંગ અને બોલિંગ બંનેમાં સારો સંતુલન જોવા મળે છે.
એક મહત્વની વાત એ છે કે મુંબઈ સામે લખનઉનો રેકોર્ડ વધુ મજબૂત રહ્યો છે. અત્યાર સુધી બંને ટીમ વચ્ચે 8 મેચ રમાઈ છે, જેમાં લખનઉએ 6 મેચ જીતી છે, જ્યારે મુંબઈ માત્ર 2 મેચ જીતી શક્યું છે. વાનખેડે સ્ટેડિયમમાં પણ લખનઉએ 3માંથી 2 મેચ જીતી છે, એટલે આંકડાઓ મુજબ લખનઉ થોડું આગળ દેખાય છે. મુંબઈ માટે સારા સમાચાર એ છે કે રોહિત શર્મા આ મેચમાં પરત ફરી શકે છે. ઈજાના કારણે તે કેટલીક મેચથી બહાર હતો, પરંતુ હવે તેની વાપસી ટીમને મજબૂતી આપી શકે છે. જો રોહિત રમશે, તો ટીમનું બેટિંગ વધુ મજબૂત બનશે.
પીચ રિપોર્ટની વાત કરીએ તો વાનખેડે સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટ્સમેન માટે અનુકૂળ હોય છે. અહીં મોટો સ્કોર બનવાની સંભાવના વધુ રહે છે. છેલ્લી 4માંથી 3 મેચમાં 200થી વધુ રન બન્યા છે. એટલે આજે પણ હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. બાઉન્ડ્રી નાની હોવાથી બેટર્સને શોટ રમવામાં સરળતા રહે છે. હવામાનની વાત કરીએ તો મુંબઈમાં ગરમી રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. તાપમાન 28 થી 35 ડિગ્રી વચ્ચે રહેશે. એટલે આખી મેચ સરળતાથી પૂર્ણ થવાની શક્યતા છે. આજે MI vs LSG વચ્ચેની મેચ ખૂબ જ રોમાંચક બનવાની છે. બંને ટીમો માટે આ ડુ ઓર ડાઈ મેચ છે, જ્યાં હારનો અર્થ પ્લેઑફમાંથી બહાર થવો છે. હવે જોવાનું રહેશે કે કોણ દબાણને સારી રીતે હેન્ડલ કરીને જીત હાંસલ કરે છે.