Vadodara

વડોદરામાં અકસ્માતોની વણઝાર, તરસાલીમાં પાણીના ટેન્કર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, 37 વર્ષીય યુવાન ઇજાગ્રસ્ત

તરસાલી વિસ્તારમાં રોડ ક્રોસ કરતા ટેન્કર સાથે એક્ટિવા સવાર ધડાકાભેર અથડાયો, સમગ્ર ઘટના CCTVમાં કેદ, ઇજાગ્રસ્ત સયાજી હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ

(પ્રતિનિધિ), વડોદરા. તા.1

વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા તરસાલીમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ આવતા પાણીના ટેન્કર અને એક્ટિવા વચ્ચે થયેલી અથડામણમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. હાલ એક્ટિવા ચાલક સયાજી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે તરસાલી વિસ્તારમાં પાણીનું એક મોટું ટેન્કર રસ્તો ક્રોસ કરીને સામેની તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન સામેની દિશામાંથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક્ટિવા સવાર ચાલક ટેન્કરની ગતિ પારખી શક્યો નહોતો અને સીધો જ ટેન્કરના મધ્ય ભાગમાં ધડાકાભેર અથડાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા સવાર રોડ પર પટકાયો હતો અને તેને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અકસ્માત બાદ સ્થાનિક લોકોના ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત વ્યક્તિની ઓળખ મહેન્દ્ર પ્રકાશરાવ ખાનવિલકર તરીકે થઈ છે. જેઓ શહેરના વાઘોડિયા રોડ પર આવેલી શિવમ પાર્ક સોસાયટી બી/11 ના રહેવાસી છે. તેમને તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાથી તેમને સર્જીકલ વોર્ડના ICU માં દાખલ કરી સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે ટેન્કર અચાનક રોડ ક્રોસ કરે છે અને એક્ટિવા સવાર તેની સાથે અથડાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે, જે રોડ પર વાહન ચલાવતી વખતે રાખવી પડતી સાવચેતી અંગે લાલબત્તી સમાન છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે CCTV ફૂટેજ કબજે કરી ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટેન્કર ચાલકની બેદરકારી હતી કે એક્ટિવા સવારની ગતિ, તે દિશામાં પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. વધતા જતા અકસ્માતોને પગલે વડોદરાવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ટ્રાફિકના નિયમોના કડક અમલની માંગ ઉઠી રહી છે.

Most Popular

To Top